<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

ઇસરોમાં સરકારી નોકરી મેળવવાની ગોલ્ડન તક: 267 ક્લેરિકલ જગ્યાઓ માટે બમ્પર ભરતીની જાહેરાત, 20 ઓગસ્ટ સુધી કરી શકાશે ઓનલાઇન અરજી

આસિસ્ટન્ટ, UDC અને સ્ટેનોગ્રાફર સહિતની વિવિધ પોસ્ટ્સ માટે ફોર્મ ભરાવવાનું શરૂ: રૂ. 25,000 થી વધુ મૂળ વેતન અને અન્ય સરકારી ભથ્થાં મળશે

બેંગલુરુ : ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) માં સરકારી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉત્તમ તક સામે આવી છે. ઇસરોના સેન્ટ્રલાઇઝ્ડ રિક્રુટમેન્ટ બોર્ડ (ICRB) દ્વારા વિવિધ ક્લેરિકલ કેડર હેઠળ કુલ 267 જગ્યાઓ પર ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી ઝુંબેશ હેઠળ આસિસ્ટન્ટ, જુનિયર પર્સનલ આસિસ્ટન્ટ (JPA), અપર ડિવિઝન કલાર્ક (UDC) અને સ્ટેનોગ્રાફર જેવા મહત્વના હોદ્દાઓ પર લાયક ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે.

આ ભરતી માટે માન્ય યુનિવર્સિટીમાંથી ન્યૂનતમ 60% ગુણ સાથે ગ્રેજ્યુએશન અથવા નિર્ધારિત ડિપ્લોમા પૂર્ણ કરનાર ઉમેદવારો અરજી કરી શકે છે. વયમર્યાદાની વાત કરીએ તો સામાન્ય વર્ગના ઉમેદવારો માટે મહત્તમ ઉંમર 28 વર્ષ નક્કી કરાઈ છે, જ્યારે અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોને પે-મેટ્રિક્સના લેવલ-4 મુજબ પ્રતિ માસ રૂ. 25,000 નું મૂળ વેતન અને સાથે અન્ય ભથ્થાં મળવાપાત્ર થશે. પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા અને ત્યારબાદ સ્કિલ ટેસ્ટના આધારે કરવામાં આવશે.

જે ઉમેદવારો અરજી કરવા ઇચ્છતા હોય તેઓ ઇસરોની સત્તાવાર વેબસાઇટ પર જઈને 20 ઓગસ્ટ સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરી શકે છે.

(6:45 PM IST)