તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 17th August 2026
શપથ ગ્રહણ કરતા જ પ્રશાંત કિશોરનો મોટો 'યુ-ટર્ન': બાંકીપુરથી જીત્યા બાદ ધારાસભ્ય તરીકેનો પહેલો જ વાયદો મિનિટોમાં પાછો ખેંચ્યો!
લખીસરાય મંદિર દુર્ઘટના સ્થળે જવાની ઉત્સાહભેર જાહેરાત કર્યા બાદ અચાનક પીછેહઠ; જન સૂરજ પાર્ટીએ ભીડ અને તણાવપૂર્ણ સ્થિતિનું બહાનુ રજૂ કર્યું

પટના : બિહારના રાજકારણમાં પોતાની તીખી વ્યૂહરચના અને આક્રમક શૈલી માટે જાણીતા જન સૂરજ પાર્ટીના શિલ્પી તથા બાંકીપુર બેઠકના નવચૂંટાયેલા ધારાસભ્ય પ્રશાંત કિશોરે સોમવારે ધારાસભ્ય પદના શપથ લેતાની સાથે જ એક અણધાર્યો રાજકીય 'યુ-ટર્ન' લઈને સૌને ચોંકાવી દીધા છે. બિહાર વિધાનસભાના સભ્ય તરીકે વિધિવત શપથ લીધા બાદ મીડિયા સમક્ષ કરેલી પોતાની સૌપ્રથમ મોટી જાહેરાતથી તેઓ ગણતરીની મિનિટોમાં જ પાછળ હટી ગયા છે, જેને લઈને હવે રાજ્યના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
સોમવારે વિધાનસભામાં સ્પીકર પ્રેમ કુમારના ચેમ્બરમાં શપથ ગ્રહણ કરીને બહાર આવેલા પ્રશાંત કિશોરે અત્યંત ઉત્સાહભેર મીડિયા સામે જાહેરાત કરી હતી કે તેઓ સીધા લખીસરાય જવા રવાના થઈ રહ્યા છે. લખીસરાયના પ્રખ્યાત અશોક ધામ મંદિરમાં સવારે શ્રાવણી સોમવારે જળાભિષેક દરમિયાન વીજળીનો થાંભલો ધરાશાયી થતાં સર્જાયેલી નાસભાગમાં ૭ નિર્દોષ મહિલાઓના કરૂણ મોત નીપજ્યા હતા અને ૨૪થી વધુ ભક્તો ગંભીર રીતે ઘાયલ થયા હતા. કિશોરે દાવો કર્યો હતો કે તેઓ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિની સંપૂર્ણ માહિતી એકત્ર કરશે અને ત્યારબાદ જ આ ઘટના અંગે સત્તાવાર ટિપ્પણી કરશે.
જોકે, આ આક્રમક જાહેરાતના કલાકો બાદ જન સૂરજ પાર્ટીના આંતરિક સૂત્રોએ સ્પષ્ટતા કરવી પડી હતી કે પ્રશાંત કિશોર આજે લખીસરાયની મુલાકાતે નહીં જાય. પાર્ટી વર્તુળોના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સ્થળે સર્જાયેલી ભારે ભીડ અને અફડાતફડીનો માહોલ જોતા સ્થાનિક નેતાઓએ તેમને મુલાકાત મુલતવી રાખવા સલાહ આપી હતી. આથી, સોમવારની તણાવપૂર્ણ સ્થિતિ ટાળવા માટે તેઓ હવે મંગળવારે લખીસરાય પહોંચીને પીડિત પરિવારજનોની મુલાકાત લેશે.
આ અગાઉ ગૃહમાં પ્રવેશતાની સાથે જ પ્રશાંત કિશોરે બિહારના મહાન રાજકીય નેતાઓ જેવા કે કર્પૂરી ઠાકુર, શ્રી કૃષ્ણ સિંહ, લાલુ પ્રસાદ યાદવ, નીતિશ કુમાર, રામવિલાસ પાસવાન અને સ્વ. સુશીલ કુમાર મોદીને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જે પવિત્ર ગૃહમાં આ દિગ્ગજોએ રાજ્ય અને સમાજના ભલા માટે લાંબા સમય સુધી કામ કર્યું છે, તે ગૃહનો હિસ્સો બનવા બદલ તેઓ અત્યંત ગૌરવ અનુભવે છે.
નોંધનીય છે કે ૩ ઓગસ્ટના રોજ યોજાયેલી હાઈવોલ્ટેજ પેટાચૂંટણીમાં પ્રશાંત કિશોરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન દ્વારા ખાલી કરાયેલી બાંકીપુર બેઠક પરથી ઐતિહાસિક જીત નોંધાવી હતી. તેમણે ભાજપના ઉમેદવાર નીરજ સિંહાને ૧૯,૦૦૦થી વધુ મતોના જંગી માર્જિનથી પરાસ્ત કર્યા હતા. બીજી તરફ, નવેમ્બર ૨૦૨૫ની ચૂંટણીમાં બીજા ક્રમે રહેલા આરજેડીના ઉમેદવાર રેખા ગુપ્તા ૧૫,૦૦૦ વોટ પણ મેળવી શક્યા નહોતા અને તેમની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી. ભાજપે પોતાની આ પરંપરાગત બેઠક બચાવવા નેતાઓની ફોજ ઉતારી હતી, પરંતુ તેજસ્વી યાદવના વિદેશથી મોડા પરત ફરવા અને તેજ પ્રતાપ યાદવના ટેકાના કારણે પ્રશાંત કિશોરે વિજયી પદાર્પણ કર્યું હતું.
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
