<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

PM મોદીના 'બૌદ્ધિક નક્સલ' કટાક્ષ બાદ ઈન્ટરનેટ પર નવો રાજકીય વિસ્ફોટ: 'કોકરોચ જનતા પાર્ટી' પછી હવે ધૂમ મચાવવા આવી 'દિમાગી નક્સલ પાર્ટી'!

૧૫મી ઓગસ્ટના ભાષણ પછી સોશિયલ મીડિયા પર ઊભરી આવ્યો નવો ડિજિટલ અવતાર; માત્ર ૨૪ કલાકમાં લાખો લોકો જોડાયા, ભગતસિંહની વિચારધારાનો દાવો અને સાયબર હુમલા વચ્ચે પેજ ગાયબ

નવી દિલ્હી : ૮૦મા સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ભાષણના એક શબ્દ પરથી હવે દેશના ડિજિટલ અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. પીએમ મોદી દ્વારા ઉપયોગમાં લેવાયેલા "બૌદ્ધિક નક્સલ" કટાક્ષના જવાબમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર "દિમાગી નક્સલ પાર્ટી" (@dimaginaxalparty) નામનું એક નવું પેજ ધમાકેદાર રીતે ઊભરી આવ્યું છે. આ અનોખા ડિજિટલ પેજે રજૂ થતાંની સાથે જ માત્ર ૨૪ કલાકમાં ૧,૦૦૦,૦૦થી વધુ અને બે દિવસમાં ૧.૮ લાખથી વધુ ફોલોઅર્સ મેળવીને ઇન્ટરનેટ પર ભારે ધૂમ મચાવી દીધી છે.

જોકે આ કોઈ સત્તાવાર કે ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષ નથી, પરંતુ વડાપ્રધાનના ભાષણનો કટાક્ષ કરવા માટે જન્મેલી એક ડિજિટલ સંગઠનાત્મક પહેલ છે. સોશિયલ મીડિયા પર પાર્ટીનું સૂત્ર "વિચારો. સંશોધન કરો. વિરોધ કરો" રાખવામાં આવ્યું છે. આ પેજના બાયો અનુસાર, તેના સ્થાપક "એકલા વિચારધારા ધરાવતા ભારતીય" છે અને સહ-સ્થાપક તરીકે "૫૬ ઇંચના માણસ"નો ઉલ્લેખ કરાયો છે. પાર્ટી પોતાને શહીદ ભગતસિંહની વિચારધારાના અનુયાયી ગણાવે છે અને સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, "જો અમારા એકાઉન્ટ સસ્પેન્ડ કરશો કે દેશદ્રોહી ગણાવશો, તો તે ભગતસિંહનું અપમાન ગણાશે."

ડિજિટલ પ્લેટફોર્મ પર આ હેન્ડલ કુણાલ કામરા, ધ્રુવ રાઠી, પ્રકાશ રાજ, અનુરાગ કશ્યપ અને રવિશ કુમાર જેવા પ્રખ્યાત ચહેરાઓને ફોલો કરી રહ્યું છે. વિશ્લેષકો આ ઘટનાક્રમને તાજેતરમાં સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસની કથિત ટિપ્પણી બાદ જન્મેલી "કોકરોચ જનતા પાર્ટી" (CJP) સાથે સરખાવી રહ્યા છે, જેણે ૧૦ દિવસમાં ૨૦ મિલિયનથી વધુ ફોલોઅર્સ મેળવ્યા હતા. જોકે, આ લોકપ્રિયતા વચ્ચે સોમવારે X હેન્ડલ (@DNJP_India) પર સાયબર હુમલાનો દાવો કરાયા બાદ આ ઇન્સ્ટાગ્રામ પેજ અચાનક ગાયબ થઈ ગયું છે.

આ સમગ્ર વિવાદની શરૂઆત વડાપ્રધાનના એ નિવેદનથી થઈ હતી જેમાં તેમણે કહ્યું હતું કે જંગલોમાં સશસ્ત્ર નક્સલવાદ તો નાબૂદ થઈ ગયો છે, પરંતુ કેટલાક "મૂર્ખ/બૌદ્ધિક નક્સલીઓ" હજુ પણ યુવાનોને ગેરમાર્ગે દોરી દેશમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ નિવેદન બાદ વિપક્ષે આકરા પ્રહારો કર્યા છે. પૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમે કહ્યું કે, "મને માનસિક નક્સલ હોવાનો ગર્વ છે," જ્યારે કેન્દ્રીય મંત્રી કિરન રિજિજુએ સ્પષ્ટતા કરી છે કે પીએમનો ઇશારો બંધારણનો અનાદર કરનારા અને દેશ વિરોધી તત્વો સામે હતો, સમગ્ર વિપક્ષ સામે નહીં.

(6:48 PM IST)