<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

મુંબઈના ચર્ચગેટમાં ભારે અફરાતફરી: આયકર ભવનના બેઝમેન્ટમાં ભયાનક આગ, ૭ માળની બિલ્ડિંગમાં ફસાયા અનેક કર્મચારીઓ, કાચ તોડીને હવામાં લટકાવી સીડીઓ વડે રેસ્ક્યૂ!

બપોરે ૨ વાગ્યે અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળતા દોડધામ મચી; મુંબઈ ફાયર બ્રિગેડનું યુદ્ધના ધોરણે ભવ્ય બચાવ અભિયાન, હજુ સુધી કોઈ જાનહાની નહીં

મુંબઈ  : દેશની આર્થિક રાજધાની મુંબઈના ચર્ચગેટ વિસ્તારમાં આવેલા મહર્ષિ કર્વે રોડ પર સોમવારે બપોરે એક મોટી હોનારત સર્જાતા રહી ગઈ હતી. અહીં સ્થિત આવકવેરા વિભાગની મુખ્ય કચેરી એટલે કે 'આયકર ભવન'ના બેઝમેન્ટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગના કાળાડીબંગ ધુમાડાના ગોટેગોટા આખી સાત માળની ઇમારતમાં પ્રસરી જતાં અંદર કામ કરી રહેલા કર્મચારીઓમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં જ મુંબઈ ફાયર બ્રિગેડ (MFB) નો વિશાળ કાફલો, અનેક ફાયર એન્જિનો અને વિશેષ કટોકટી વાહનો સાથે સ્થળ પર પહોંચી ગયો હતો. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અનુસાર, આગ બપોરે આશરે ૨ વાગ્યે બેઝમેન્ટ પ્લસ ગ્રાઉન્ડ પ્લસ ૭ માળની આ ઈમારતના ભોંયરામાં લાગી હતી. આગ બેઝમેન્ટ સુધી જ મર્યાદિત હતી, પરંતુ ધુમાડો ઉપરના માળ સુધી પહોંચી જતાં અનેક કર્મચારીઓ ઉપરના માળે ફસાઈ ગયા હતા.

ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક બે ટીમો બનાવીને મોરચો સંભાળ્યો હતો. એક ટીમે આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી, જ્યારે બીજી ટીમે ઉપરના માળે ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે મોટું રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. ફાયર ફાઇટર્સે ઇમારતની બારીઓના કાચ તોડીને હાઈ-ટેક સીડીઓ (સ્નોર્કેલ) ની મદદથી હવામાં લટકીને ફસાયેલા કર્મચારીઓને એક પછી એક સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા હતા.

વરિષ્ઠ ફાયર અધિકારીઓના જણાવ્યા અનુસાર, સમયસર હાથ ધરવામાં આવેલા સાહસિક બચાવ કાર્યને કારણે એક મોટી દુર્ઘટના ટળી છે અને હાલ સુધી આ ઘટનામાં કોઈ જાનહાની કે ઈજાના સમાચાર નથી. બેઝમેન્ટમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં ઘટનાસ્થળે કૂલિંગ ઓપરેશન અને તપાસ ચાલુ છે.

(6:50 PM IST)