<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

પેનક્રિયાસના કેન્સર સામે મેડિકલ સાયન્સની મહા-સફળતા: નવી દવાથી દર્દીઓનું આયુષ્ય બમણું થવાની પ્રબળ આશા

લાંબા સમય બાદ કીમોથેરાપીના વિકલ્પ તરીકે 'ડેરોક્સોનાસિબ' દવાની ટ્રાયલમાં સફળતા : જીવિત રહેવાનો દર ૧૩% થી વધીને ૨૮% સુધી પહોંચવાની સંભાવના સાથે સારવારના નવા યુગનો પ્રારંભ

નવી દિલ્હી :  સ્વાદુપિંડ (પેનક્રિયાસ) ના અદ્યતન કેન્સર સામે ઝઝૂમી રહેલા લાખો દર્દીઓ માટે વિજ્ઞાન જગતમાંથી એક ખૂબ જ આશાસ્પદ અને ક્રાંતિકારી સમાચાર સામે આવ્યા છે.પ્રકાશિત થયેલા તાજેતરના સંશોધન મુજબ, 'ડેરોક્સોનાસિબ'  નામની નવી ટાર્ગેટેડ દવાની ટ્રાયલમાં અત્યંત આશ્ચર્યજનક પરિણામો મળ્યા છે. આ દવા સ્વાદુપિંડના કેન્સરના દર્દીઓ માટે પરંપરાગત કીમોથેરાપી કરતાં ઘણી વધુ અસરકારક સાબિત થઈ છે અને તે દર્દીઓના જીવિત રહેવાના સમયગાળાને બમણો કરવાની શક્તિ ધરાવે છે. હાલમાં સ્વાદુપિંડના છેલ્લા તબક્કાના કેન્સરમાં પાંચ વર્ષનો સર્વાઇવલ રેટ માત્ર ૧૩ થી ૧૪ ટકા જેટલો નીચો છે, જેને આ નવી સારવાર ૨૮ ટકા સુધી પહોંચાડી શકે છે.

સ્વાદુપિંડના કેન્સરના ૯૨% કેસોમાં 'KRAS' નામના જનીનમાં થતું પરિવર્તન (મ્યુટેશન) મુખ્ય કારણ હોય છે. સામાન્ય રીતે આ જનીન કોષોની વૃદ્ધિ માટે સ્વિચ તરીકે કામ કરે છે, પરંતુ મ્યુટેશન થવાને કારણે તે 'ઓન' સ્થિતિમાં અટકી જાય છે, જેનાથી કેન્સરના કોષો અનિયંત્રિત રીતે વિભાજિત થવા લાગે છે. ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ઓન્કોલોજી ડિસીઝ રિસર્ચ ગ્રુપના મેડિકલ ડિરેક્ટર અને આ સંશોધનના સહ-લેખક ડૉ. એન્ડ્રુ હેન્ડિફારે જણાવ્યું કે, ડેરોક્સોનાસિબ એ સ્વાદુપિંડના કોષોમાં આ કેન્સરજનક મ્યુટેશનને સીધું લક્ષ્ય (ટાર્ગેટ) બનાવનારી સૌપ્રથમ દવા છે. આ ટેકનોલોજી કેન્સરના મૂળ કારણ પર પ્રહાર કરીને તેના ફેલાવાને અટકાવવામાં મદદ કરે છે.

દાયકાઓથી સ્વાદુપિંડના કેન્સર માટે કોઈ ચોક્કસ ટાર્ગેટેડ ઉપચાર ઉપલબ્ધ નહોતો અને દર્દીઓ માત્ર મર્યાદિત અસરકારકતા ધરાવતા કીમોથેરાપી સંયોજનો પર જ નિર્ભર હતા. ડૉ. હેન્ડિફરના જણાવ્યા અનુસાર, ટ્રાયલમાં ભાગ લેનારા કેટલાક દર્દીઓ આજે પણ સ્વસ્થ જીવન જીવી રહ્યા છે, જે આ કેન્સરના ઇતિહાસમાં એક વિશિષ્ટ ઘટના છે. જો યુ.એસ. એફડીએ (FDA) દ્વારા આ દવાને ઝડપથી મંજૂરી આપવામાં આવે છે, તો તે કીમોથેરાપીનું સ્થાન લઈને અદ્યતન સ્વાદુપિંડના કેન્સર માટે સારવારનું નવું 'ગોલ્ડ સ્ટાન્ડર્ડ' બની જશે. અત્યાર સુધી ઇમ્યુનોથેરાપી અને નવા કેમિકલ કમ્પાઉન્ડ્સ પર સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકો માટે આ દવા કેન્સર મુક્ત ભવિષ્ય તરફ એક મોટું આશાનું કિરણ લઈને આવી છે.

(7:29 PM IST)