<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

યુપીમાં ન્યાયનો સુપરફાસ્ટ ડોઝ: જજ રવિ કુમાર દિવાકરે માત્ર ૪ મહિનામાં ૨૨ ગુનેગારોને ફટકારી ફાંસીની સજા

જ્ઞાનવાપી સર્વેનો આદેશ આપી ચર્ચામાં આવેલા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજે મુઝફ્ફરનગર ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં ૧૦ જટિલ કેસોનો ઉકેલ લાવી ગુનાખોરી સામે દાખલ કર્યો ઐતિહાસિક દાખલો

મુઝફ્ફરનગર:  ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં આવેલી ફાસ્ટ-ટ્રેક કોર્ટના એક ન્યાયાધીશે ન્યાયતંત્રમાં ઝડપી કાર્યવાહીનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ રવિ કુમાર દિવાકરે માત્ર ચાર મહિનાના ટૂંકા ગાળામાં ૧૦ ગંભીર કેસોમાં સુનાવણી પૂર્ણ કરીને ૨૨ ગુનેગારોને મૃત્યુદંડ (ફાંસી) ની સજા ફટકારી છે. વર્ષ ૨૦૨૨ માં વારાણસીના ચર્ચિત જ્ઞાનવાપી સંકુલના વીડિયોગ્રાફી સર્વેનો આદેશ આપીને દેશભરમાં ચર્ચામાં આવેલા ૪૬ વર્ષીય જજ દિવાકર પોતાના કડક અને અણનમ નિર્ણયો માટે જાણીતા બન્યા છે.

લખનૌના વતની અને ૨૦૦૯ માં આઝમગઢથી કારકિર્દીની શરૂઆત કરનાર જજ રવિ કુમાર દિવાકરે તાજેતરમાં જ વર્ષો જૂના કટોકટીભર્યા કેસોનો ઝડપી ઉકેલ લાવ્યો છે. ઓગસ્ટ મહિનામાં જ તેમણે ૧૨ વર્ષ જૂના હત્યાના એક કેસમાં ચાર આરોપીઓને ફાંસીની સજા ફટકારીને રૂ. ૧.૭૦ લાખનો દંડ કર્યો હતો, જ્યારે ૧૯૯૯ ના ખંડણી અને લાકડાના વેપારીની હત્યા કેસમાં પણ મુખ્ય આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી. જુલાઈ અને જૂન મહિના દરમિયાન પણ તેમણે ખેડૂતની હત્યા, ભૂતપૂર્વ સરપંચ દ્વારા કરાયેલી હત્યા અને ફરજ પરના હોમગાર્ડની હત્યા જેવા મામલાઓમાં પણ ગુનેગારોને કોઈ પણ દયા વગર આકરી સજા ફટકારી હતી.

ન્યાયાધીશ દિવાકરની કોર્ટે માતા-પુત્રની ૧૫ વર્ષ જૂની હત્યા અને ૨૦૧૯ ના માતા તેમજ તેના ત્રણ પુત્રોના નરસંહાર જેવા કેસોને 'રેરેસ્ટ ઓફ ધ રેર' (દુર્લભમાંથી અતિ દુર્લભ) ગણાવીને ફાંસીની સજા સંભળાવી છે. દાયકાઓથી ન્યાયની રાહ જોઈ રહેલા પીડિત પરિવારો માટે આ ચુકાદાઓ આશાનું કિરણ બન્યા છે. ગુનાખોરી સામે ન્યાયતંત્રની આ બુલડોઝર જેવી ઝડપી કાર્યવાહીએ સમગ્ર ઉત્તર પ્રદેશમાં અપરાધીઓમાં ભારે ફફડાટ પેદા કરી દીધો છે.

(7:30 PM IST)