<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

ઉજ્જૈનમાં નાગચંદ્રેશ્વર મંદિરના દ્વાર ખોલાયા: વર્ષમાં માત્ર એક જ વાર કેમ થાય છે આ અલૌકિક ધામના દર્શન? જાણો તેનું પૌરાણિક રહસ્ય!

નાગપંચમીના પાવન પર્વે મહાકાલેશ્વર મંદિરના ત્રીજા માળે બિરાજમાન ભગવાન નાગચંદ્રેશ્વરના દર્શન માટે ઉમટ્યું ભક્તોનું મહેરામણ

ઉજ્જૈન : હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને શ્રદ્ધાના પ્રતીક સમાન નાગપંચમીના તહેવારની સમગ્ર દેશમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રાચીન પરંપરાઓ અનુસાર નાગદેવતાને સમૃદ્ધિ, રક્ષણ અને પુનર્જન્મના પ્રતીક તરીકે પૂજવામાં આવે છે. આ ખાસ અવસરે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિર સંકુલના ત્રીજા માળે સ્થિત પૌરાણિક 'નાગચંદ્રેશ્વર મંદિર' ના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યા છે. વર્ષમાં માત્ર એક જ વાર ખુલતા આ મંદિરના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે દેશભરમાંથી હજારો ભક્તોનું કીડિયારું ઉભરાયું છે.

 

નાગચંદ્રેશ્વર મંદિરની સ્થાપત્ય અને ધાર્મિક વિશેષતા અદભૂત છે. અહીં ભગવાન શિવ અને માતા પાર્વતી દસ ફેણવાળા નાગદેવતાના આસન પર બિરાજમાન હોય તેવી અત્યંત દુર્લભ મૂર્તિ સ્થાપિત છે. ઇતિહાસકારોના જણાવ્યા મુજબ, આ મંદિરનું નિર્માણ ઈ.સ. ૧૦૫૦ ની આસપાસ પરમાર વંશના રાજા ભોજ દ્વારા કરાવવામાં આવ્યું હતું, ત્યારબાદ ઈ.સ. ૧૭૩૨ માં સિંધિયા શાસક રાણોજી દ્વારા તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. આ પવિત્ર ધામ માત્ર શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પંચમી એટલે કે નાગપંચમીના દિવસે જ ખુલે છે અને તહેવાર પૂર્ણ થતાં જ તેના દ્વાર આખા વર્ષ માટે ફરી બંધ કરી દેવામાં આવે છે.

 

આ મંદિર વર્ષમાં માત્ર એક જ વાર ખોલવા પાછળ એક રસપ્રદ અને પૌરાણિક કથા જોડાયેલી છે. માન્યતા અનુસાર, નાગોના રાજા 'તક્ષક' એ અમરત્વ અને અક્ષય શક્તિ પ્રાપ્ત કરવા માટે અહીં ભગવાન શિવની ઘોર તપસ્યા કરી હતી. ભોલેનાથે પ્રસન્ન થઈને તક્ષકનાગને પવિત્ર સ્થળ પર વાસ કરવાનું વરદાન આપ્યું હતું. એવું માનવામાં આવે છે કે નાગરાજ તક્ષક પોતે આ સ્થાન પર અદ્રશ્ય રૂપે નિવાસ કરે છે. તેથી, આ ખાસ દિવસે ભગવાન નાગચંદ્રેશ્વરની પૂજા-અર્ચના કરવાથી સાપના ડર અને કાળસર્પ દોષમાંથી મુક્તિ મળે છે તેમજ પરિવારમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. વર્ષમાં એક જ વાર દર્શન મળતા હોવાથી આ વાર્ષિક પરંપરા મહાકાલ નગરી ઉજ્જૈનનું સૌથી મોટું આધ્યાત્મિક આકર્ષણ બની રહે છે.

(7:41 PM IST)