News of Monday, 17th August 2026
હિમાલયની પહાડીઓમાં રમાઈ અનોખી 'માખણની હોળી': ઉત્તરાખંડના દયારા બુગ્યાલમાં ઉત્સાહભેર ઉજવાયો 'અંદુરી ઉત્સવ'!
સમુદ્ર સપાટીથી ૧૦,૦૦૦ ફૂટની ઊંચાઈએ દૂધ-છાસ અને માખણની નદીઓ વહી; કુદરત અને પશુધન પ્રત્યે આભાર વ્યક્ત કરતી સદીઓ જૂની પરંપરા

ઉત્તરકાશી : રંગો અને પાણીની હોળી વિશે તો આપણે સૌ જાણીએ છીએ, પરંતુ ઉત્તરાખંડના હિમાલયી વિસ્તારમાં એક એવી અનોખી હોળી રમાય છે જેમાં રંગો નહીં પણ માખણ અને છાશની છોળો ઊડે છે. ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં આવેલા રૈથલ ગામ નજીક દયારા બુગ્યાલ ખાતે ભાદો સંક્રાંતિના પાવન પ્રસંગે પરંપરાગત 'અંદુરી ઉત્સવ' અથવા 'બટર ફેસ્ટિવલ' (માખણ ઉત્સવ) ની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આશરે ૩,૦૪૮ મીટર (૧૦,૦૦૦ ફૂટ) ની ઊંચાઈએ આવેલા લીલાછમ ઘાસના મેદાનોમાં ગ્રામજનોએ એકબીજાના ચહેરા પર માખણ લગાવી અને છાશ છાંટીને પહાડી ઢોલ-દમાઉના તાલ પર ઉત્સાહભેર નૃત્ય કર્યું હતું.
અંદુરી ઉત્સવ એ માત્ર મનોરંજન નથી, પરંતુ હિમાલયની પશુપાલક સંસ્કૃતિ, પ્રકૃતિ અને ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું એક પવિત્ર માધ્યમ છે. દર વર્ષે વસંતઋતુમાં રૈથલના ગ્રામજનો પોતાના ગાય-ભેંસ સહિતના પશુધનને ઊંચા પહાડી ઘાસના મેદાનોમાં (બુગ્યાલ) ચરાવવા લઈ જાય છે. ચોમાસા દરમિયાન પૌષ્ટિક ઘાસ ખાવાથી પશુઓનું દૂધ ઉત્પાદન વધે છે. જ્યારે ઓગસ્ટ કે સપ્ટેમ્બરની શરૂઆતમાં ચરાઈની મોસમ પૂર્ણ થાય છે અને પશુઓ સુરક્ષિત રીતે ઘરે પરત ફરે છે, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ અને પ્રકૃતિ માતાનો આભાર માનવા આ ઉત્સવ ઉજવવામાં આવે છે.
આ પાવન અવસરે સ્થાનિક લોકો પરંપરાગત વસ્ત્રો પહેરીને એકઠા થાય છે. બાળકો અને યુવાનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, ઝોરા, બરડા નાટી, છોલિયા અને પાંડવ નૃત્ય જેવા લોકનાટકો રજૂ કરવામાં આવે છે. કેન્દ્રીય અને રાજ્ય પ્રવાસી નકશા પર સ્થાન પામ્યા બાદ હવે મોટી સંખ્યામાં ટ્રેકર્સ અને પ્રવાસીઓ પણ રૈથલથી ૮ કિલોમીટરનો પગપાળા ટ્રેક કરીને આ માખણ હોળીનો આનંદ માણવા પહોંચે છે. પ્રકૃતિ અને સંસ્કૃતિનો આ અદ્ભુત સમન્વય હિમાલયના પશુપાલક જીવનની સુંદરતાને વિશ્વ સમક્ષ રજૂ કરે છે.
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
