<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

અંડરવર્લ્ડ સામે સુરક્ષા એજન્સીઓનો મોટો ધમાકો: દાઉદ ઇબ્રાહિમનો જમણો હાથ અખ્તર મર્ચન્ટ વિદેશથી ડિપોર્ટ કરાયો : દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ

MCOCA અને આર્મ્સ એક્ટ હેઠળ ગંભીર ગુનાઓ આચરનાર ૬૦ વર્ષીય ભયાનક ગેંગસ્ટર સામે ઇન્ટરપોલે જારી કરી હતી રેડ કોર્નર નોટિસ : ડ્રગ્સ તથા હથિયારોના આંતરરાષ્ટ્રીય કારોબારના પર્દાફાશની શક્યતા

દિલ્હી:  ભારતીય કેન્દ્રીય તપાસ એજન્સીઓ અને મહારાષ્ટ્ર પોલીસે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના સંગઠિત ગુનાખોરી નેટવર્ક સામે અત્યાર સુધીની સૌથી મોટી સફળતા મેળવી છે. ભાગેડુ આતંકી અને દાઉદના અત્યંત નજીકના સાથી અખ્તર કાસિમ અલી મર્ચન્ટને વિદેશમાંથી દેશનિકાલ (ડિપોર્ટ) કરીને ભારત લાવવામાં આવ્યો છે. દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પગ મૂકતાં જ સુરક્ષા એજન્સીઓએ તેને તાત્કાલિક અટકાયતમાં લઈ લીધો હતો. ૬૦ વર્ષીય અખ્તર મર્ચન્ટ લાંબા સમયથી ફરાર રહીને વિદેશની ધરતી પરથી દાઉદની ડી-ગેટવે ગેંગ માટે ગેરકાયદેસર હથિયારોની દાણચોરી, ડ્રગ્સ સપ્લાય અને ફાયનાન્સિંગનું કાળું સામ્રાજ્ય ચલાવતો હતો.

મહારાષ્ટ્રના મીરા-ભાયંદર, વસઈ-વિરાર (MBVV) કમિશનરેટ હેઠળના કાશીમીરા પોલીસ સ્ટેશનમાં મર્ચન્ટ સામે હત્યાનો પ્રયાસ, ખંડણી, ગુનાહિત કાવતરું, આર્મ્સ એક્ટ અને અત્યંત કડક 'મકોકા' (MCOCA) કાયદા હેઠળ અનેક કેસો નોંધાયેલા છે. મહારાષ્ટ્ર પોલીસની ભલામણ પર ઇન્ટરપોલે ૧ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ આ ખતરનાક ગુનેગાર સામે રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. તેના આધારે જ વિદેશી સુરક્ષા એજન્સીઓ સાથે તાલમેલ સાધીને તેને સફળતાપૂર્વક પકડી પાડીને ભારત રવાના કરવામાં આવ્યો હતો.

દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરાયા બાદ કેન્દ્રીય તપાસ એજન્સીઓ અને મહારાષ્ટ્ર પોલીસની સંયુક્ત ટીમ દ્વારા તેની ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. કાશીમીરા પોલીસ સ્ટેશનની વિશેષ ટીમ તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મુંબઈ લાવવાની તૈયારી કરી રહી છે, જ્યાં તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કરીને કસ્ટડી માંગવામાં આવશે. એજન્સીઓને આશા છે કે અખ્તર મર્ચન્ટની કડક પૂછપરછ દરમિયાન અંડરવર્લ્ડના વિદેશી નેટવર્ક, ગેરકાયદેસર શસ્ત્ર પુરવઠા શ્રંખલા અને ભારતમાં સક્રિય સ્લીપર સેલ્સ સંબંધિત અનેક ચોંકાવનારા અને વિસ્ફોટક ખુલાસાઓ બહાર આવશે.

(8:15 PM IST)