News of Monday, 17th August 2026
દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસ: કેજરીવાલ અને સિસોદિયાને હાઇકોર્ટનું આકરું અલ્ટીમેટમ, "આ છેલ્લી તક છે"
ટ્રાયલ કોર્ટના નિર્દોષ છૂટકારાના ચુકાદા સામે CBI ની અરજી પર જવાબ રજૂ કરવા જસ્ટિસ મનોજ જૈને આપી ૪ અઠવાડિયાનો સમય : પ ઓક્ટોબરથી શરૂ થશે અંતિમ દલીલોનો ધમધમાટ

નવી દિલ્હી: દિલ્હીના બહુચર્ચિત કથિત એક્સાઇઝ પોલિસી (દારૂ નીતિ) ભ્રષ્ટાચાર કેસમાં આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની કાનૂની મુશ્કેલીઓ ફરી એકવાર વધતી જોવા મળી રહી છે. દિલ્હી હાઇકોર્ટે સોમવારે આ કેસમાં તમામ આરોપીઓને નીચલી અદાલતના નિર્દોષ છૂટકારાના આદેશને પડકારતી સીબીઆઈ (CBI) ની સમીક્ષા અરજી પર પોતાનો જવાબ દાખલ કરવા માટે 'આખરી તક' આપી છે. જસ્ટિસ મનોજ જૈનની કોર્ટે તમામ પક્ષોને ચાર અઠવાડિયાનો આખરી સમય આપતાં સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે હવે પછી આ મામલે જવાબ રજૂ કરવા માટે વધુ કોઈ મુહલત આપવામાં આવશે નહીં.
સુનાવણી દરમિયાન કેજરીવાલ અને સિસોદિયા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલોએ દલીલ કરી હતી કે સીબીઆઈએ તાજેતરમાં ૧૦૩ પાનાનો વધારાનો લેખિત જવાબ રજૂ કર્યો છે, જેમાં મૂળ અરજીથી અલગ નવા આધારો ઉભા કરવામાં આવ્યા છે. બચાવ પક્ષના વકીલોએ કોર્ટ સમક્ષ માગ કરી હતી કે જો તપાસ એજન્સીને નવા મુદ્દા લાવવાની છૂટ મળતી હોય, તો આરોપીઓને પણ તેનો યોગ્ય જવાબ આપવાની પૂરતી તક મળવી જોઈએ. કોર્ટે તેમની રજૂઆત ગ્રાહ્ય રાખીને ચાર અઠવાડિયામાં વિગતવાર જવાબ આપવા નિર્દેશ આપ્યો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે આગામી ૫ ઓક્ટોબરથી શરૂ થતા સપ્તાહમાં સીબીઆઈની મુખ્ય દલીલો સાથે કેસની આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ૨૭ ફેબ્રુઆરીના રોજ નીચલી અદાલતે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને કે. કવિતા સહિત તમામ ૨૩ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. નીચલી કોર્ટના આ ચુકાદાને સીબીઆઈએ તાત્કાલિક દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સીબીઆઈ વતી રજૂઆત કરી હતી કે નીચલી કોર્ટે કાયદાકીય અને પુરાવા સંબંધિત મહત્વના પાસાઓની અવગણના કરી છે. જસ્ટિસ સ્વર્ણકાંત શર્માની કોર્ટમાંથી જસ્ટિસ મનોજ જૈનની કોર્ટમાં ટ્રાન્સફર થયેલા આ હાઇ-પ્રોફાઇલ કેસમાં હવે ૫ ઓક્ટોબરે થનારી સુનાવણી પર દેશભરની રાજકીય અને કાનૂની વિશ્લેષકોની નજર ટકેલી છે.
(8:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
