News of Monday, 17th August 2026
દહેજના રાક્ષસે છીનવ્યા બે માસૂમ જીવ: ગર્ભવતી પુત્રવધૂની આત્મહત્યા કેસમાં પતિ અને સાસુને ૧૨ વર્ષની સખત કેદ, દિલ્હી કોર્ટે કહ્યું- 'દોષિતો પ્રત્યે આ દયા ન્યાયની ક્રૂર મજાક ગણાશે!'
લગ્નના માત્ર ત્રણ જ મહિનામાં દહેજ ભૂખ્યા સાસરિયાઓએ ગર્ભવતી કોમલને આપી અસહ્ય યાતનાઓ; ગર્ભાવસ્થા દરમિયાન પણ યોગ્ય ખોરાક ન આપી કાનૂની અને માનવતાના તમામ સીમાડા ઓળંગ્યા

નવી દિલ્હી : ૨૧મી સદીમાં પણ સમાજને કંકરની જેમ કોરી ખાતા દહેજના અમાનવીય દૂષણ પર દિલ્હીની અદાલતે અત્યંત આકરો અને ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. દહેજ ઉત્પીડન અને ગર્ભવતી પુત્રવધૂને આત્મહત્યા માટે મજબૂર કરવાના અત્યંત સંવેદનશીલ કેસમાં એડિશનલ સેશન્સ જજ પ્રિયા મહેન્દ્રએ દોષિત પતિ અને સાસુ પ્રત્યે કોઈપણ પ્રકારની રહમ કે ઉદારતા દાખવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. કોર્ટે સખત શબ્દોમાં ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, આ ગુનામાં સાસરિયાઓના ક્રૂર વર્તનને કારણે માત્ર એક નિર્દોષ મહિલા જ નહીં પરંતુ તેની કુખમાં ઉછરી રહેલા માસૂમ ગર્ભસ્થ બાળકે પણ જીવ ગુમાવ્યો છે. આવી ગંભીર પરિસ્થિતિમાં આરોપીઓ પ્રત્યે બતાવવામાં આવેલી કોઈપણ ઉદારતા "ન્યાયની મજાક" સમાન ગણાશે.
અદાલતે દોષિત પતિ નિતેશ અને તેની માતા (સાસુ)ને દહેજ મૃત્યુના ગુના બદલ ૧૨ વર્ષની સખત કેદની સજા ફટકારી છે, જ્યારે ક્રૂરતા આચરવાના આરોપ હેઠળ વધુ ૩ વર્ષની જેલની સજા સંભળાવી છે, જે બંને સજાઓ સાથે ચાલશે. અદાલતે પોતાના આદેશમાં અત્યંત ભાવુક અને આકરી નોંધ લખતા જણાવ્યું હતું કે, દીકરી પ્રેમ અને સ્નેહની આશા સાથે સાસરે આવે છે, પરંતુ દહેજના લોભીઓએ તેની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. મહિલાની ગર્ભાવસ્થા પણ આ પાષાણહૃદય સાસરિયાઓના દિલને પીગળાવી શકી ન હતી અને ગર્ભાવસ્થાના પ્રારંભિક તબક્કામાં હોવા છતાં તેને પૂરતો ખોરાક પણ આપવામાં આવતો નહોતો.
કેસની મળતી વિગતો અનુસાર, ૨૯ વર્ષીય કોમલના લગ્ન ૧૫ માર્ચ, ૨૦૨૧ ના રોજ નિતેશ સાથે થયા હતા. લગ્નના એક મહિનાની અંદર જ તે ગર્ભવતી થઈ હતી. જોકે, લગ્નના દિવસથી જ દહેજની સતત માગણીઓ, અસહ્ય ઉત્પીડન અને માનસિક તેમજ શારીરિક યાતનાઓથી કંટાળીને અઢી મહિનાની ગર્ભવતી કોમલે ૩ જૂન, ૨૦૨૧ ના રોજ સાસરે ફાંસી લગાવીને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. આ કેસમાં કોર્ટે સ્પષ્ટ કર્યું કે ભારતીય સમાજમાં લગ્ન પછી માતા-પિતાનું ઘર છોડીને આવતી દીકરીઓ સામે દહેજ માટે આચરવામાં આવતી આ પ્રકારની હિંસક માનસિકતા સામે કાયદો જરાય નરમ વલણ અપનાવશે નહીં.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
