News of Monday, 17th August 2026
પાકિસ્તાનમાં બાળપણમાં કુપોષણનું ગંભીર સંકટ: ૪૦% માસૂમો 'સ્ટંટિંગ'ના ખતરા હેઠળ, દેશના આર્થિક અને સામાજિક ભવિષ્ય સામે મોટો ખતરો!
ગર્ભધારણથી લઈને બીજા જન્મદિવસ સુધીના પ્રથમ ૧,૦૦૦ દિવસોમાં પૌષ્ટિક આહારના અભાવે માસૂમોના શારીરિક-માનસિક વિકાસ પર કાયમી બ્રેક: યુનિસેફ અને વર્લ્ડ બેંકના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી : પાકિસ્તાન હાલમાં માત્ર ફુગાવો, જાહેર દેવું, કરવેરા, ઘટી રહેલી નિકાસ અને ઉર્જા સંકટ જેવા આર્થિક મોરચે જ નથી ઝઝૂમી રહ્યું, પરંતુ દેશના આર્થિક ભવિષ્યના મૂળિયાં ખોખલા કરી નાખે તેવા એક અતિ ગંભીર અને ઊંડા સંકટ સામે લડી રહ્યું છે. તાજેતરમાં સામે આવેલા એક અહેવાલ મુજબ પાકિસ્તાનમાં વ્યાપક બાળપણનું કુપોષણ અને તેનાથી માનવ મૂડીને થઈ રહેલું કાયમી નુકસાન અત્યંત ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે.
ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ અનુસાર, પાકિસ્તાનમાં દર ૧૦ માંથી આશરે ૪ બાળકો ગંભીર અને ક્રોનિક કુપોષણથી પીડાઈ રહ્યા છે. નેશનલ ન્યુટ્રિશન સર્વે મુજબ ૫ વર્ષથી ઓછી વયના લગભગ ૪૦.૨ ટકા બાળકો 'સ્ટંટિંગ' (ઉંમરના પ્રમાણમાં શારીરિક વિકાસ ન થવો) નો ભોગ બન્યા છે. નિષ્ણાતોના મતે સ્ટંટિંગ એ માત્ર બાળકની ઓછી ઊંચાઈ દર્શાવતું માપદંડ નથી, પરંતુ તે જીવનના પ્રારંભિક તબક્કામાં — ખાસ કરીને ગર્ભધારણથી લઈને બાળકના બીજા જન્મદિવસ સુધીના પ્રથમ ૧,૦૦૦ દિવસો દરમિયાન લાંબા સમય સુધી પોષક તત્વોના અભાવને દર્શાવે છે. આ સમયગાળો મગજના વિકાસ, રોગપ્રતિકારક શક્તિ અને શીખવાની ક્ષમતા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
આ સંકટ પાછળ માત્ર ખોરાકની અછત જ જવાબદાર નથી, પરંતુ અસુરક્ષિત પીવાનું પાણી, નબળી સ્વચ્છતા, વારંવાર થતા ચેપ અને માતાઓનું કુપોષણ પણ મુખ્ય પરિબળો છે. યુનિસેફના અંદાજ મુજબ ૨૦૨૪ માં પાકિસ્તાનમાં ૩૮ ટકા બાળકો ગંભીર ખાદ્ય ગરીબીમાં જીવતા હતા. મોંઘવારીના કારણે પૌષ્ટિક આહાર સામાન્ય પરિવારોની પહોંચ બહાર થઈ ગયો છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય સેવાઓ, આયર્ન-ફોલિક એસિડ પુરવઠો અને પોષણ કાર્યક્રમોની કથળેલી સ્થિતિએ પરિસ્થિતિને વધુ વિકટ બનાવી દીધી છે.
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
