News of Monday, 17th August 2026
માત્ર ૧૬ વર્ષની વયે રચ્યો ઈતિહાસ: ભારતીય મૂળના લક્ષ્મણન મયપ્પને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, બન્યા વિશ્વના સૌથી નાની વયના મેલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ!
કોરોના લોકડાઉનમાં ૧૦મું ધોરણ પાસ કર્યા બાદ શરૂ કરી વ્યાવસાયિક સફર; ACCA અને CFA ની કઠિન પરીક્ષાઓ પાસ કરી મેળવી વૈશ્વિક ખ્યાતિ

દુબઈ : ભારતીય મૂળના પ્રતિભાશાળી ફાઈનાન્સ પ્રોફેશનલ લક્ષ્મણન મયપ્પને એક અસાધારણ અને ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરી છે. માત્ર ૧૬ વર્ષ અને ૧૪૧ દિવસની નાની વયે અતિ કઠિન માનવામાં આવતી ACCA (એસોસિએશન ઓફ ચાર્ટર્ડ સર્ટિફાઈડ એકાઉન્ટન્ટ્સ) લાયકાત સફળતાપૂર્વક પૂર્ણ કરીને તેમણે 'વિશ્વના સૌથી નાની વયના પુરુષ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ' તરીકે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ (Guinness World Records) માં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કર્યું છે.
લક્ષ્મણન મયપ્પને ૩૦ જૂન, ૨૦૨૧ ના રોજ યુએઈના દુબઈ ખાતે આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન ધોરણ ૧૦ ની પરીક્ષાઓ પૂર્ણ કર્યા બાદ, તેમણે ૧૫ વર્ષની વયે એકાઉન્ટન્સી ક્ષેત્રે આગળ વધવાનો નિર્ણય લીધો હતો. તેમની માતા, જેઓ પોતે પણ ACCA પ્રોફેશનલ છે, તેમણે લોકડાઉન સમયગાળા દરમિયાન લક્ષ્મણનને એકાઉન્ટિંગ વિષયમાં ઊંડો રસ દાખવવાની પ્રેરણા આપી હતી. માતાના માર્ગદર્શન હેઠળ તેમણે સખત મહેનત કરીને ખૂબ જ ટૂંકા ગાળામાં આ સિદ્ધિ હાસિલ કરી હતી.
ACCA પૂર્ણ કર્યા બાદ લક્ષ્મણન મયપ્પને ચાર્ટર્ડ ફાઈનાન્સિયલ એનાલિસ્ટ (CFA) ની પદવી પણ મેળવી છે અને હાલમાં તેઓ ફાઈનાન્સ વિષયમાં Master of Science (MSc) નો અભ્યાસ કરી રહ્યા છે. હાલમાં તેઓ દુબઈ સ્થિત જાણીતી નાણાકીય સંસ્થા સેન્ચ્યુરી ફાઈનાન્સિયલમાં સીનિયર રિસર્ચ એનાલિસ્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે, જ્યાં તેઓ ઈન્વેસ્ટમેન્ટ રિસર્ચ અને ફાયનાન્શિયલ માર્કેટ પૃથક્કરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઉલ્લેખનીય છે કે આ ગિનિસ રેકોર્ડ વૈશ્વિક લાયકાત ACCA માટે પ્રાપ્ત થયો છે, જે ભારતીય ICAI દ્વારા અપાતી CA લાયકાતથી અલગ છે. પોતાના વ્યાવસાયિક જીવન ઉપરાંત, તેઓ ઘડિયાળો ડિઝાઈન કરવાનો અને તેનું નિર્માણ કરવાનો અનોખો શોખ પણ ધરાવે છે.
(8:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
