તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૫ બુધવાર
News of Monday, 17th August 2026
બીજા વિશ્વયુદ્ધ બાદ બ્રિટનમાં ઈતિહાસ રચાયો: ૨૮ વર્ષના ભારતીય મૂળના અર્શદીપ સિંહ ડાંગ બન્યા યુકેના પ્રથમ શીખ RAF ફાઈટર પાઈલટ!
નોર્થ વેલ્સના RAF વેલી ખાતે યોજાયેલા ભવ્ય ગ્રેજ્યુએશન સમારોહમાં પાંખો મળી; ૧૯૪૫ પછી રોયલ એર ફોર્સમાં ઈતિહાસ રચીને પંજાબનું નામ રોશન કર્યું

લંડન : બીજા વિશ્વયુદ્ધ પછીના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થાય તેવી અસાધારણ સિદ્ધિ હાસિલ કરતા ભારતીય મૂળના ૨૮ વર્ષીય ફ્લાઈટ લેફ્ટનન્ટ અર્શદીપ સિંહ ડાંગ બ્રિટનની રોયલ એર ફોર્સ (RAF) માં ફાઈટર પાઈલટ તરીકે સ્નાતક થનારા પ્રથમ શીખ અધિકારી બન્યા છે. શુક્રવારે, ૧૪ ઓગસ્ટના રોજ નોર્થ વેલ્સ સ્થિત RAF વેલી ખાતે આયોજિત એક ભવ્ય ફાસ્ટ જેટ પાઈલટ ગ્રેજ્યુએશન સમારોહમાં તેમને આ ગૌરવપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી. UK મિલિટરી ફ્લાઈંગ ટ્રેનિંગ સિસ્ટમ હેઠળ ટેક્સન એરક્રાફ્ટ પર તાલીમ પૂર્ણ કરીને ફાઈટર પાઈલટ બનનારા તેઓ પ્રથમ શીખ ટ્રેઈની બન્યા છે, જે રોયલ એર ફોર્સમાં શીખ સમુદાયના પ્રતિનિધિત્વ માટે એક ઐતિહાસિક માઈલસ્ટોન છે.
અર્શદીપ સિંહ ડાંગનો જન્મ ૧૯૯૮માં ચંદીગઢ ખાતે થયો હતો અને તેઓ માત્ર છ વર્ષની કુમળી વયે પોતાના પરિવાર સાથે યુકે શિફ્ટ થયા હતા. તેમના પિતા જગદીપ સિંહ ડાંગ લુધિયાણાના અને માતા ગગનદીપ કૌર અમૃતસરના વતની છે; હાલમાં તેમનો પરિવાર ઈંગ્લેન્ડના સાઉથહોલ ખાતે સ્થાયી થયેલો છે. અર્શદીપે બ્રિસ્ટોલ યુનિવર્સિટીમાંથી ગણિત અને ફિલસૂફી વિષયમાં ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ ફેબ્રુઆરી ૨૦૨૨માં પોતાની ઓફિસર ટ્રેનિંગ પૂર્ણ કરી હતી. ૨૦૨૩માં પ્રાથમિક ઉડાન તાલીમ સફળતાપૂર્વક પૂરી કર્યા બાદ તેમણે સાયપ્રસમાં પણ પોતાની ઉત્કૃષ્ટ સેવાઓ આપી હતી.
પોતાની અસાધારણ પ્રતિભા અને સખત મહેનતના બળે અર્શદીપને ૨૦૨૪માં ફાસ્ટ જેટ સ્ટ્રીમ માટે પસંદ કરવામાં આવ્યા હતા. માર્ચ ૨૦૨૫થી શરૂ થયેલી કઠિન ફાસ્ટ જેટ લીડ-ઈન તાલીમ અને બેઝિક ફાસ્ટ જેટ તાલીમ બાદ, તેમણે જુલાઈ ૨૦૨૬માં પોતાની પાંખો (Wings Test) મેળવવાની આખરી પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી હતી. જોકે, ફ્રન્ટલાઈન કોમ્બેટ ફાઈટર એરક્રાફ્ટ ઉડાડતા પહેલા તેમણે હજુ એક વર્ષની સઘન તાલીમમાંથી પસાર થવું પડશે. ચંદીગઢની શેરીઓથી શરૂ થયેલી તેમની આ સફર આજે બ્રિટનના આકાશમાં વિમાન ઉડાડવા સુધી પહોંચીને સમગ્ર ભારતીય સમુદાય માટે અત્યંત ગૌરવરૂપ બની છે.
(8:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
