<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

વિશ્વની ટોચની ૫ બેંકોમાં ચમકશે ભારતનું નામ: પીએમ મોદીના સ્વપ્નને સાકાર કરવા નાણામંત્રી નિર્મલા સીતારમણનો માસ્ટરપ્લાન

લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રીની ઐતિહાસિક ઘોષણા બાદ 'PSB કન્ફ્લુઅન્સ 2026' માં બેંકિંગ સુધારા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચનાની જાહેરાત : ૨૦૪૭ સુધીમાં દેશને મળશે ગ્લોબલ લેવલની જાયન્ટ બેંક

નવી દિલ્હી:  ૧૫ ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કરતી વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'વિકસિત ભારત ૨૦૪૭' ના વિઝન હેઠળ એક અતિ મહત્વકાંક્ષી લક્ષ્યાંક જાહેર કર્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે દેશની મજબૂત બનતી અર્થવ્યવસ્થાને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે હવે સમય આવી ગયો છે કે વિશ્વની ટોચની ૫ બેંકોમાં ઓછામાં ઓછી એક ભારતીય બેંક પોતાનું સ્થાન બનાવે. આ ઉપરાંત તેમણે વિઝન રજૂ કર્યું કે વૈશ્વિક સ્તરે ટોચની પાંચ ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં પણ એક ભારતીય કંપની સામેલ હોવી જોઈએ, જે દેશના વધતા વૈશ્વિક પ્રભાવને દર્શાવે છે.

પ્રધાનમંત્રીના આ વિઝનને અમલમાં મૂકવા માટે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી દિલ્હી ખાતે યોજાયેલી 'PSB કન્ફ્લુઅન્સ ૨૦૨૬' પરિષદમાં એક અગત્યની જાહેરાત કરી છે. નાણામંત્રીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ બેંકિંગ અને નાણાકીય ક્ષેત્રના સુધારા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરશે. આ સમિતિ ભારતીય બેંકોને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક બનાવવા અને દેશની ઉભરતી આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે નવી વ્યૂહરચના અને ભલામણો તૈયાર કરશે, જેના આધારે સરકાર ક્રાંતિકારી નિર્ણયો લેવા જઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે વિતેલા દાયકામાં કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની ૨૭ બેંકોનું મર્જર કરીને ૧૨ મજબૂત બેંકોનું નિર્માણ કર્યું છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) જેવી ગ્લોબલ લેવલની ૪ થી ૫ મોટી બેંકોનું નિર્માણ કરવાનો સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ૨૦૨૬-૨૭ ના કેન્દ્રીય બજેટમાં પણ બેંકિંગ સુધારા અંગે સંકેતો આપવામાં આવ્યા હતા. નવી પેઢી અને યુવાનોને આધુનિક નાણાકીય સેવાઓ સાથે જોડીને દેશના બેંકિંગ ક્ષેત્રને વૈશ્વિક સ્તરે સુપરપાવર બનાવવાની દિશામાં આ એક મોટું અને ઐતિહાસિક પગલું સાબિત થશે.

(9:34 PM IST)