<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

અમેરિકા-ઈરાન યુદ્ધના એંધાણ: "અમે હોર્મુઝમાં યુએસ નાકાબંધી તોડીશું," : ટ્રમ્પના 'સફેદ ધ્વજ' વાળા નિવેદન પર તેહરાનનો પલટવાર

વચગાળાના શાંતિ કરારની શરતો અમલી નહીં થાય તો આક્રમક સૈન્ય કાર્યવાહી કરવાની ઈરાનની ચેતવણી : આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગ હોર્મુઝ સ્ટ્રેટ પર વધતા તણાવથી વૈશ્વિક તેલ પુરવઠા પર સંકટના વાદળો

તેહરાન:  અમેરિકા અને ઈરાન વચ્ચેનો રાજદ્વારી તણાવ ફરી એકવાર અત્યંત ખતરનાક અને વિસ્ફોટક વળાંક પર પહોંચી ગયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કઠોર નિવેદન, જેમાં તેમણે ઈરાનને 'સફેદ ધ્વજ' લહેરાવી શરણાગતિ સ્વીકારવા કહ્યું હતું, તેના જવાબમાં ઈરાને આકરા પ્રહાર કર્યા છે. ઈરાની સત્તાવાળાઓએ ખુલ્લી ચેતવણી આપી છે કે જો આગામી થોડા અઠવાડિયામાં વચગાળાના શાંતિ કરારની તમામ શરતો પૂરી કરવામાં નહીં આવે, તો તેઓ હોર્મુઝ સ્ટ્રેટ અને તેની આસપાસના વિસ્તારોમાં યુએસ નૌકાદળની નાકાબંધી તોડવા માટે મિશન મોડમાં ચોક્કસ લશ્કરી હુમલા શરૂ કરશે.

રોઇટર્સ સાથેની વાતચીતમાં એક વરિષ્ઠ ઈરાની અધિકારીએ સ્પષ્ટ કર્યું કે ઈરાન હવે પોતાની વ્યૂહરચના રક્ષણાત્મકથી બદલીને સંપૂર્ણપણે આક્રમક બનાવી રહ્યું છે. ઈરાનનો અમેરિકા સાથે રાજદ્વારી વાટાઘાટો દ્વારા ઉકેલ લાવવાનો વિશ્વાસ સતત ઘટી રહ્યો છે, કારણ કે વોશિંગ્ટન કાયમી યુદ્ધવિરામ અંગે ગંભીર જણાતું નથી. ઈરાની અધિકારીઓના મતે, માત્ર મધ્યસ્થીઓ દ્વારા ચર્ચા ચાલુ રાખવી અને કાયમી શાંતિની અપેક્ષા રાખવી એ વાસ્તવિક વ્યૂહરચના નથી, જેથી ઈરાન હવે સૈન્ય બળપ્રયોગ કરવા તરફ મજબૂર થઈ રહ્યું છે.

જૂન મહિનામાં થયેલા કરારના આધારે બંને દેશોને ફરી વાટાઘાટોના ટેબલ પર લાવવાના વિદેશી પ્રયાસો તાજેતરના સપ્તાહોમાં સંપૂર્ણપણે સ્થગિત થઈ ગયા છે. ઈરાનના વિદેશ મંત્રીએ અગાઉ પણ સ્પષ્ટ કરી દીધું હતું કે જ્યાં સુધી અમેરિકા કરારની શરતો પર પાછું નહીં ફરે ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટનો મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ ખોલવામાં આવશે નહીં. વિશ્વના સૌથી સંવેદનશીલ અને વ્યસ્ત તેલ પરિવહન માર્ગ પર વધતા આ તણાવને કારણે વૈશ્વિક અર્થતંત્ર અને ઊર્જા બજારમાં મોટો ફફડાટ વ્યાપી ગયો છે.

(9:43 PM IST)