<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

મેડ ઇન ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક્સની ગુંજ: ₹૭,૮૦૦ કરોડના મેગા પ્લાનથી ભારત વૈશ્વિક સુપરપાવર બનવા તરફ, ૩.૨૫ લાખ નવી નોકરીઓની તકો

કેન્દ્ર સરકારે ECMS સ્કીમ હેઠળ વિપ્રો અને PCBL જેવી દિગ્ગજ કંપનીઓના ૩૧ નવા રોકાણ પ્રસ્તાવોને લીલી ઝંડી આપી દીધી છે : જેનાથી દેશમાં ₹૮૨,૨૪૩ કરોડનું રેકોર્ડતોડ ઉત્પાદન થશે અને લાખો યુવાનોનું ભવિષ્ય ઉજ્જવળ બનશે

નવી દિલ્હી:  ભારતને વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનું પ્રબળ કેન્દ્ર બનાવવાની દિશામાં કેન્દ્ર સરકારે એક ઐતિહાસિક અને વિશાળ પગલું ભર્યું છે. કેન્દ્રીય આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ (ECMS) હેઠળ ₹૭,૮૭૭ કરોડના ૩૧ નવા રોકાણ પ્રસ્તાવોને મંજૂરી આપી દેવામાં આવી છે. આ નિર્ણયથી દેશના ઉદ્યોગ જગતમાં નવો ઉત્સાહ વ્યાપી ગયો છે કારણ કે આ રોકાણના માધ્યમથી ભારતમાં ₹૮૨,૨૪૩ કરોડથી પણ વધુ કિંમતનું બમ્પર ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન થશે. આ યોજના હેઠળ વિપ્રો ગ્લોબલ, પીસીબીએલ કેમિકલ્સ, મિક્રોમેક્સ, અને મિત્સુબિશી જેવી દિગ્ગજ કંપનીઓને મંજૂરી મળતાં જ મંગળવારે શેરબજારમાં પણ આ તમામ કંપનીઓના સ્ટોક્સ પર રોકાણકારોની ખાસ નજર રહેશે.

આ મેગા પ્રોજેક્ટ દેશના બેરોજગાર યુવાનો માટે આશાનું નવું કિરણ લઈને આવ્યો છે. સરકારના અંદાજ મુજબ આ નવા પ્રોજેક્ટ્સથી આશરે ૭૫,૦૦૦ યુવાનોને સીધી નોકરીઓ (Direct Jobs) મળશે, જ્યારે ૨.૫ લાખથી વધુ લોકોને પરોક્ષ રોજગારીના અવસરો પ્રાપ્ત થશે. ECMS યોજનાએ પોતાના શરૂઆતી લક્ષ્યાંકોને વટાવી દીધા છે, જેના પરિણામે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં આ યોજનાનું ભંડોળ ₹૨૨,૯૧૯ કરોડથી સીધું વધારીને ₹૪૦,૦૦૦ કરોડ કરી દીધું છે. અત્યાર સુધીમાં કુલ ૧૦૬ કંપનીઓને મંજૂરી મળી ચૂકી છે, જેમાંથી ૩૮ કંપનીઓએ તો ઉત્પાદન પણ શરૂ કરી દીધું છે.

જોકે આ અભૂતપૂર્વ સફળતા વચ્ચે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ઉદ્યોગ જગતને અમુક બાબતો પ્રત્યે કડક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારતીય કંપનીઓ હજુ સુધી સ્થાનિક રિસર્ચ અને ડિઝાઇનિંગ  ક્ષેત્રે ધાર્યા મુજબ ઝડપ નથી બતાવી રહી. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ ઉત્પાદનમાં 'સિક્સ સિગ્મા' જેવા આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના ધોરણોનું કડક પાલન કરવું જ પડશે. આ ઉપરાંત, ટેકનિકલ ક્ષેત્રે સક્ષમ યુવાનોની અછતને પહોંચી વળવા માટે ઉદ્યોગોએ પોતાના કૌશલ્ય વિકાસના પ્રયાસો દસ ગણા વધારવા પડશે જેથી ભારત ગ્લોબલ સપ્લાય ચેઇનનો સર્વોચ્ચ હિસ્સો બની શકે.

(10:29 PM IST)