<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

કાશ્મીરના પરંપરાગત પ્રવાસન સ્થળોની બહાર ગામડાં અને ઓછા જાણીતા પ્રવાસન સ્થળોને મળશે નવી પાંખ : ૨,૮૦૨ હોમસ્ટેમાં ૨૦,૫૧૪ બેડ, ગામડાંના પરિવારો માટે રોજગારીનો મોટો દરવાજો ખુલ્યો

નાણાકીય સહાયમાં જમ્મુ-કાશ્મીર બેંક મારફતે રહેણાંક મકાનને હોમસ્ટેમાં ફેરવવા દર રૂમ દીઠ રૂ. ૫ લાખ સુધી અને એક હોમસ્ટે દીઠ વધુમાં વધુ રૂ. ૩૦ લાખ સુધી ધિરાણની વ્યવસ્થા

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પરંપરાગત પ્રવાસન સ્થળોની બહાર ગામડાં અને ઓછા જાણીતા વિસ્તારો સુધી પ્રવાસીઓને પહોંચાડવા માટે કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર નવી હોમસ્ટે નીતિને ઝડપથી આગળ ધપાવી રહી છે. મુખ્ય સચિવ અટલ દુલ્લૂની અધ્યક્ષતામાં ૧૪ ઓગસ્ટે યોજાયેલી બેઠકમાં નીતિની સમીક્ષા સાથે સ્થાનિક પરિવારો અને યુવાનોને પ્રવાસન અર્થતંત્રના સીધા ભાગીદાર બનાવવાના પગલાં ચર્ચાયા હતા.

પ્રવાસન વિભાગે બેઠકમાં આપેલા તાજા આંકડા મુજબ જમ્મુ-કાશ્મીરમાં હાલમાં ૨,૮૦૨ હોમસ્ટે એકમો અને કુલ ૨૦,૫૧૪ બેડની ક્ષમતા છે. મુખ્ય સચિવે હોમસ્ટેને ઓછા જાણીતા પ્રવાસન સ્થળોના વિકાસનો આધાર ગણાવી સ્થાનિક લોકો માટે આવક અને રોજગારી ઊભી કરવાની તેની ક્ષમતા પર ભાર મૂક્યો હતો.

નવા માળખામાં ઘરમાલિક તથા પરિવાર   રહેતા હોય તેવા રહેઠાણના મકાનમાં એકથી વધુમાં વધુ છ મહેમાન રૂમની જોગવાઈ રાખી શકાય છે. સલામતી, સ્વચ્છતા, પાણી અને વીજળીના નિર્ધારિત ધોરણો ફરજિયાત રહેશે. ઉપરાંત બીજા રહેણાંક મકાનને પણ બેડ એન્ડ બ્રેકફાસ્ટ પદ્ધતિ હેઠળ એકથી છ રૂમ સાથે નોંધાવવાની છૂટ આપવામાં આવી છે.

નાણાકીય સહાયમાં જમ્મુ-કાશ્મીર બેંક મારફતે રહેણાંક મકાનને હોમસ્ટેમાં ફેરવવા દર રૂમ દીઠ રૂ. ૫ લાખ સુધી અને એક હોમસ્ટે દીઠ વધુમાં વધુ રૂ. ૩૦ લાખ સુધી ધિરાણની વ્યવસ્થા રાખવામાં આવી છે.

નોંધણી પ્રક્રિયા પણ ઓનલાઇન અને સમયબદ્ધ બનાવાશે. જરૂરી દસ્તાવેજો અને તસવીરો ઓનલાઇન અપલોડ કરી શકાશે. નિરીક્ષણ સમિતિ ધોરણોના આધારે સિલ્વર અથવા ગોલ્ડ શ્રેણી આપશે. સંપૂર્ણ દસ્તાવેજો ધરાવતા અરજદારને છ મહિનાની કામચલાઉ સિલ્વર નોંધણી મળશે અને ૧૫ દિવસમાં ચકાસણી ન થાય તો નોંધણી આપમેળે મંજૂર ગણાશે.

મિશન યુવા હેઠળ સરકાર ઓયો સાથે મળીને ‘ક્રાઉન ઓફ ઇન્ક્રેડિબલ ઇન્ડિયા’ હોમસ્ટે પહેલને પણ આગળ ધપાવી રહી છે. જિયોટેગિંગ, ડિજિટલ નોંધણી, તાલીમ અને પ્રવાસન મંચો પર પ્રચારથી દૂરના ગામોમાં પણ પ્રવાસીઓ પહોંચે અને સ્થાનિક પરિવારોની આવક વધે તે સરકારનું લક્ષ્ય છે.

(10:53 PM IST)