News of Monday, 17th August 2026
માતૃત્વ અને માનવતાનું અદ્ભુત ઉદાહરણ: નેપાળના મહિલા મંત્રીએ ૧૭ દિવસની અનાથ બાળકીને સ્તનપાન કરાવ્યું, વાયરલ વીડિયોએ કરોડો લોકોના દિલ જીત્યા!
કાઠમંડુના બાલ મંદિરમાંથી ગટરના પાણી વચ્ચે બચાવેલા ૨૦ નવજાત બાળકોની કરુણ કહાણી; ભૂખથી રડતી માસૂમ માટે મહિલા મંત્રી સીતા બાદી બન્યા 'માતા'

કાઠમંડુ : નેપાળના મહિલા, બાળ અને વરિષ્ઠ નાગરિક કલ્યાણ મંત્રી સીતા બાદીનો એક અત્યંત સ્પર્શક અને ભાવુક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કાઠમંડુના નક્સાલ સ્થિત 'બાલ મંદિર'માંથી અત્યંત બિનઆરોગ્યપ્રદ અને ખરાબ પરિસ્થિતિમાંથી બચાવવામાં આવેલા ૨૦ માસૂમ બાળકો પૈકી ૧૭ દિવસની એક ભૂખી અને રડતી બાળકીને મંત્રી સીતા બાદીએ પોતાના ખોળામાં લઈને સ્તનપાન કરાવ્યું હતું. પ્રેમ, મમતા અને માનવતાના આ અસાધારણ કાર્યોએ સમગ્ર દેશમાં લોકોનું ધ્યાન ખેંચ્યું છે અને સોશિયલ મીડિયા પર તેમની વ્યાપક પ્રશંસા થઈ રહી છે.
વાસ્તવમાં, નેપાળ ચિલ્ડ્રન્સ ઓર્ગેનાઈઝેશનના બાલ મંદિર કેન્દ્રમાં ચોમાસાના ભારે વરસાદને કારણે ગટરના દૂષિત પાણી ઘૂસી ગયા હતા. ૧૫ દિવસથી લઈને ૨ વર્ષ સુધીની ઉંમરના ૨૦ નવજાત અને માસૂમ બાળકો (૧૨ છોકરાઓ અને ૮ છોકરીઓ) ને અત્યંત કમનસીબ સ્થિતિમાં એક જ ફ્લોર મેટ પર રાખવામાં આવ્યા હતા. સરકારી ટીમ અને પોલીસે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને તમામ બાળકોને બચાવી લીધા હતા. તબીબી તપાસ દરમિયાન ઘણા બાળકોને ત્વચા, આંખના ચેપ અને આકરી ઉધરસ હોવાનું સામે આવ્યું હતું.
આ રેસ્ક્યૂ દરમિયાન ૧૭ દિવસની એક નવજાત બાળકી ભૂખ અને તકલીફના કારણે સતત રડી રહી હતી. તે સમયે સ્થળ પર ફોર્મ્યુલા મિલ્ક કે અન્ય કોઈ ખોરાક ઉપલબ્ધ ન હોવાથી સ્થિતિ નાજુક બની હતી. બાળકીને શાંત કરવા મંત્રી સીતા બાદીએ તેને પોતાના ખોળામાં લીધી અને માતા બનીને પોતાનું દૂધ પીવડાવ્યું હતું. તેમણે બાળકોને નવડાવવા અને સાફ કરવામાં પણ વહીવટી ટીમને મદદ કરી હતી. મંત્રીના આ કરુણાસભર અને ત્વરિત નિર્ણાયક કાર્યની ચારેય તરફ પ્રશંસા થઈ રહી છે.
(9:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
