<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

પૂર્વ-મધ્ય ભારતમાં મેઘતાંડવ : ઝારખંડ પર અતિભારે વરસાદનું મોટું જોખમ; બિહાર-ઓડિશા-મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ધોધમારની ચેતવણી

પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઉત્તરાખંડમાં છેલ્લા ચોવીસ કલાકે અતિભારે વરસાદ ચાલુ: ગુજરાતમાં હાલ ભારે વરસાદની કોઈ વ્યાપક ચેતવણી નથી

નવી દિલ્હી, તા. ૧૮ : દેશના પૂર્વ, મધ્ય અને ઉત્તર ભારત ઉપર ચોમાસું ફરી આક્રમક બન્યું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે સવારે જાહેર કરાયેલા લેટેસ્ટ ઇનસેટ હવામાન નકશા મુજબ આજે સવારે સાડા આઠ વાગ્યે પૂર્ણ થયેલા છેલ્લા ચોવીસ કલાકમાં ગંગીય પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઉત્તરાખંડના છૂટાછવાયા સ્થળોએ ૨૧ સેન્ટીમીટર - ૮ ઇંચ કે તેથી પણ વધુ અતિભારે વરસાદ નોંધાયો છે. આસામ-મેઘાલય, ઝારખંડ, બિહાર, પશ્ચિમ તથા પૂર્વ ઉત્તરપ્રદેશ અને છત્તીસગઢના ભાગોમાં ૧૧થી ૨૦ સેન્ટીમીટર - ૪ થી ૮ ઈંચનો અત્યંત ભારે વરસાદ નોંધાયો છે. અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર સહિત કેટલાક વિસ્તારોમાં ૭થી ૧૧ સેન્ટીમીટર - અઢી થી ઇંચ જેવો ભારે વરસાદ થયો છે.

હવામાન વિભાગના આજે સવારે સાડા આઠ વાગ્યાના સર્વભારતીય બુલેટિનમાં સૌથી ગંભીર સ્થિતિ ઝારખંડ માટે દર્શાવવામાં આવી છે. અહીં છૂટાછવાયા સ્થળોએ ભારે થી અત્યંત ભારે વરસાદ સાથે ક્યાંક ૨૧ સેન્ટીમીટરથી વધુ વરસાદ પડવાની શક્યતા છે. બિહાર, છત્તીસગઢ, પૂર્વ મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં ભારે થી અત્યંત ભારે વરસાદની આગાહી છે. 

વરસાદના આ નવા રાઉન્ડ પાછળનું મુખ્ય કારણ ઝારખંડ અને તેની આસપાસના ગંગીય પશ્ચિમ બંગાળ ઉપર રહેલું ડિપ્રેશન એટલે કે ઊંડું હવામાન દબાણ છે. આજે સવારે સાડા પાંચ વાગ્યે આ સિસ્ટમ રાંચીથી આશરે ૧૦૦ કિલોમીટર ઉત્તર-પૂર્વે કેન્દ્રિત હતી અને કલાકના લગભગ ૧૦ કિલોમીટરના વેગે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહી હતી. આગામી ચોવીસ કલાકમાં તે ઝારખંડ અને બિહાર પરથી આગળ વધવાની સંભાવના છે. 

અરુણાચલ પ્રદેશ, આસામ-મેઘાલય, પૂર્વ ઉત્તરપ્રદેશ, હરિયાણા-ચંડીગઢ-દિલ્હી, જમ્મુ-કાશ્મીર, પંજાબ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ-સિક્કિમ, કેરળ તેમજ પૂર્વોત્તરના રાજ્યોમાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાષ્ટ્રીય માધ્યમોના અહેવાલો અનુસાર પૂર્વ અને મધ્ય ભારત ઉપરાંત હિમાલયી રાજ્યોમાં વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, ભૂસ્ખલન અને વાહનવ્યવહારને અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. 

ગુજરાતમાં શું સ્થિતિ ?

ગુજરાત માટે હાલ વ્યાપક ભારે વરસાદની ચેતવણી જાહેર કરાઈ નથી. અમદાવાદ હવામાન કેન્દ્રના તાજા અહેવાલ મુજબ ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા કે કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજવાળા ઝાપટાં પડી શકે છે. 

સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં મુખ્યત્વે છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. 

જોકે ઓલ ઈન્ડિયા હવામાન બુલેટિનમાં ગુજરાત પ્રદેશના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે કલાકના ૪૦થી ૫૦ કિલોમીટર સુધીના પવનની શક્યતા દર્શાવવામાં આવી છે. 

ગુજરાતના કાંઠા નજીક અરબી સમુદ્રમાં ૪૫થી ૫૫ કિલોમીટર અને ઝાટકામાં ૬૫ કિલોમીટર પ્રતિ કલાક સુધી પવન ફૂંકાવાની સંભાવના પણ દર્શાવાઈ છે. 

આમ દેશનું ચોમાસું હાલમાં મુખ્યત્વે પૂર્વ, મધ્ય અને ઉત્તર ભારત તરફ વધુ સક્રિય છે, જ્યારે ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં અત્યારે છૂટાછવાયા વરસાદનું ચિત્ર છે.

આજે બપોરે એક વાગે લેવામાં આવેલ ઇનસેટ ઉપગ્રહની લેટેસ્ટ તસવીર..

(1:40 PM IST)