News of Tuesday, 18th August 2026
દિલ્હીમાં આમ આદમી પાર્ટીના કાઉન્સિલરના પતિની મધ્યપ્રદેશથી ધડપકડ: જમીન પચાવી પાડવા અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવાના મામલે દિલ્હી પોલીસનો સપાટો
આપના જ કાર્યકરની કરોડોની મિલકત પર ગેરકાયદે કબ્જો જમાવી એસી કાઢી લેવા અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપનાર શ્રીચંદ વોહરા ગ્વાલિયરથી ઝડપાયો

નવી દિલ્હી, તા.૧૮: આમ આદમી પાર્ટી (AAP) ના સ્થાનિક નેતૃત્વ અને રાજકારણમાં ખળભળાટ મચાવતી એક મોટી ઘટના સામે આવી છે. દિલ્હી પોલીસે ગ્વાલિયરથી 'આપ'ના મહિલા કાઉન્સિલર અને રાષ્ટ્રીય પરિષદના સભ્ય હેમા વોહરાના પતિ શ્રીચંદ વોહરાની ધરપકડ કરી છે. પક્ષના જ એક નિષ્ઠાવાન કાર્યકરની જમીન પચાવી પાડવા, જાનથી મારી નાખવાની ધમકી આપવા અને દાદાગીરી કરવાના ગંભીર આરોપો હેઠળ દિલ્હી પોલીસના કાલિંદી કુંજ પોલીસ સ્ટેશને આ કડક કાર્યવાહી કરી છે.
પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો અનુસાર, પીડિત અને આપ કાર્યકર રાકેશ કુમારે ૩૧ જુલાઈના રોજ કાલિંદી કુંજ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. રાકેશ કુમારે વર્ષ ૨૦૧૯ માં જૈતપુર એક્સટેન્શન પાર્ટ-૨ ના નાલા રોડ પર આવેલો પોતાનો પ્લોટ (નંબર A-835A/10) શ્રીચંદ વોહરાને અસ્થાયી રૂપે ઉપયોગ કરવા માટે આપ્યો હતો. જોકે, સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ વોહરાએ જમીનનો કબજો સોંપવાનો ઇનકાર કરી દીધો હતો અને મિલકત પચાવી પાડી હતી.
પરિવારને જાનથી મારી નાખવાની અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી:
ફરિયાદીનો આરોપ છે કે આરોપી શ્રીચંદ વોહરાએ જમીન પર પોતાનો ગેરકાયદે કબ્જો જાળવી રાખવા માટે અસંખ્ય વીજળી મીટર લગાવવામાં પણ અવરોધો ઊભા કર્યા હતા. વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે ૨૧ જુલાઈના રોજ ફરિયાદીની પરવાનગી વગર પહેલા માળેથી એર કન્ડીશનર (AC) ઉતારી લેવામાં આવ્યું હતું. રાકેશ કુમારે જ્યારે આ દાદાગીરીનો વિરોધ કર્યો, ત્યારે આરોપીએ તેમને અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની તથા ખોટા ફોજદારી કેસોમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
પોલીસ તપાસમાં આરોપો સાચા ઠરતા 'આપ' નેતાના પતિ જેલભેગા:
ઘટના દિવસે PCR કોલ મળ્યા બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંને પક્ષોના જમીન સંબંધિત દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરી હતી. પ્રાથમિક તપાસમાં આરોપો પ્રથમ દ્રષ્ટિએ સાચા જણાતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આરોપી શ્રીચંદ વોહરાની ગ્વાલિયરથી ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ બંને પક્ષોના જમીન માલિકીના દાવાઓ અને કાનૂની દસ્તાવેજોની વધુ તપાસ ચલાવી રહી છે.
(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
