<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

ડિજિટલ ક્રાંતિમાં ભારતનો દબદબો: ૨૦૩૦ સુધીમાં દેશમાં ૫G વપરાશકર્તાઓનો આંકડો ૬૨% ને પાર પહોંચશે, એશિયા-પેસિફિકના તમામ દેશોને પાછળ છોડી ભારત બનશે ગ્લોબલ લીડર

GSMA ના તાજેતરના રિપોર્ટમાં મોટો ખુલાસો: ૨૦૩૦ સુધીમાં મોબાઇલ ટેકનોલોજી સેક્ટર એશિયા-પેસિફિક અર્થતંત્રમાં ૧.૪ ટ્રિલિયન ડોલરનું યોગદાન આપશે; ભારતનેટ અને ૬G રોડમેપથી ભારતનો વિજયધ્વજ લહેરાયો

નવી દિલ્હી, તા.૧૮: વિશ્વભરમાં ટેકનોલોજી અને ડિજિટલ કનેક્ટિવિટી ક્ષેત્રે ભારત સતત નવા કીર્તિમાન સ્થાપિત કરી રહ્યું છે. વૈશ્વિક ટેલિકોમ સંસ્થા GSMA દ્વારા જાહેર કરાયેલા એક મહત્વપૂર્ણ રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતમાં ૫G સર્વિસ અપનાવવાનો દર ૬૨ ટકા સુધી પહોંચવાની ધારણા છે. ભારતનો આ ગ્રોથ એશિયા-પેસિફિક ક્ષેત્રના સરેરાશ ૫૦ ટકા કરતા નોંધપાત્ર રીતે આગળ છે, જે દર્શાવે છે કે દેશમાં હાઇ-સ્પીડ ડિજિટલ ક્રાંતિ કેટલી ઝડપથી આકાર લઈ રહી છે.

GSMA ના અહેવાલમાં ભારતને બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા અને પાકિસ્તાન જેવા દેશો સાથે આ પ્રદેશના 'અગ્રણી રાષ્ટ્રો' તરીકે ચિહ્નિત કરવામાં આવ્યું છે. દક્ષિણ એશિયાઈ પ્રદેશમાં કનેક્ટિવિટીનો કવરેજ ગેપ ૩૦ ટકાથી ઘટીને હવે ૫ ટકાથી પણ ઓછો થઈ ગયો છે. આ સિદ્ધિ સાથે ભારત માટે મુખ્ય પડકાર માત્ર કવરેજ પૂરતો સીમિત ન રહેતાં, ડિજિટલ સાક્ષરતા, પરવડે તેવા સ્માર્ટફોન્સ, સાયબર સુરક્ષા અને સેવાઓના વ્યાપક ઉપયોગ તરફ શિફ્ટ થયો છે.

૧.૪ ટ્રિલિયન ડોલરની મોબાઇલ ઈકોનોમી અને સાયબર સિક્યોરિટી:
રિપોર્ટ અનુસાર, ૨૦૩૦ સુધીમાં એશિયા-પેસિફિક અર્થતંત્રમાં મોબાઇલ ટેકનોલોજી અને સેવાઓનું વાર્ષિક યોગદાન ૧.૪ ટ્રિલિયન ડોલર સુધી પહોંચશે, જે હાલના ૧ ટ્રિલિયન ડોલર કરતાં ૪૦ ટકાનો જંગી વધારો દર્શાવે છે. આ સાથે જ ભારતમાં ડિજિટલ ટ્રસ્ટ અને ડેટા પ્રાઇવસીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. માહિતી-સુરક્ષા (Information Security) પાછળનો ખર્ચ ૧૧.૭ ટકા વધવાની આશા છે, જ્યારે દેશનો 'ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન' (DPDP) કાયદો સુરક્ષિત ડિજિટલ વાતાવરણ પૂરું પાડી રહ્યો છે.

BSNL નું સ્વદેશી ૫G સ્ટેક અને ૬G ની તૈયારીઓ:
ભારત સરકારી યોજનાઓ જેવી કે ભારતનેટ અને PMGDISHA મારફતે ૬૪ મિલિયનથી વધુ ગ્રામીણ નાગરિકોને ડિજિટલ તાલીમ આપી ચૂકી છે. આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ BSNL દ્વારા સ્વદેશી રીતે વિકસિત ૪G સ્ટેક તૈનાત કરવામાં આવ્યું છે, જે સરળતાથી ૫G માં અપગ્રેડ થઈ શકશે. આટલું જ નહીં, ભારતે ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અત્યારથી જ ૬G સ્પેક્ટ્રમ રોડમેપ પણ પ્રકાશિત કરી દીધો છે, જે દર્શાવે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને IoT ક્ષેત્રે ભારત સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરવા સજ્જ છે.

(4:25 PM IST)