કર્ણાટકના તુમાકુરુમાં હૃદયદ્રાવક દુર્ઘટના: રમતા રમતા નંદિની ડેરી બિલ્ડિંગનો કોંક્રિટનો થાંભલો ધડાકાભેર ધરાશાયી થતાં ૧૨ વર્ષના નિર્દોષ સ્કૂલી વિદ્યાર્થીનું કરૂણ મોત
સરકારી શાળા પાસે રમી રહેલા માસૂમ ધનુષના માથા પર જ પિલર ખાબક્યો; નબળા બાંધકામ અને ભ્રષ્ટ ઇજનેરો સામે ગ્રામજનોનો ભારે આક્રોશ, પોલીસે તપાસ શરૂ કરી

તુમાકુરુ (કર્ણાટક), તા.૧૮: કર્ણાટકના તુમાકુરુ જિલ્લાના ચિક્કનાયકનહલ્લી તાલુકામાં આવેલા બિલીગીહલ્લી ગામમાંથી એક અત્યંત કરૂણ અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. ગામની સરકારી પ્રાથમિક શાળા નજીક રમી રહેલા ૧૨ વર્ષના માસૂમ બાળકના માથા પર નંદિની ડેરી બિલ્ડિંગનો જર્જરિત થાંભલો (પિલર) અચાનક ધડાકાભેર તૂટી પડતાં બાળકનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે.
રમત-રમતમાં કાળનો પંજો:
મૃતક માસૂમ બાળકની ઓળખ ૧૨ વર્ષીય ધનુષ તરીકે થઈ છે, જે ગામની જ સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો. સોમવારે શાળા નજીક આવેલી નંદિની ડેરી બિલ્ડિંગ પાસે જ્યારે ધનુષ અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો, ત્યારે બિલ્ડિંગનો એક ભારે કોંક્રિટનો થાંભલો અચાનક ધસી પડ્યો હતો. આ થાંભલો સીધો ધનુષના માથા પર વાગતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને લોહીલુહાણ હાલતમાં તેનું સ્થળ પર જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું.
નબળા બાંધકામ સામે ગ્રામજનોનો આક્રોશ:
આ દુઃખદ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને તંત્ર સામે ભારે રોષ ઠાલવ્યો હતો. સ્થાનિક રહીશોએ આરોપ લગાવ્યો હતો કે ડેરી બિલ્ડિંગના નિર્માણમાં અત્યંત હલકી ગુણવત્તાવાળી સામગ્રી વાપરવામાં આવી હતી. યોગ્ય મન્ટેનન્સના અભાવે અને ભ્રષ્ટ ઇજનેરોની બેદરકારીના કારણે જ આ માસૂમ બાળકનો બલી લેવાયો છે. ગ્રામજનોએ જવાબદાર કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરો સામે સખત કાર્યવાહીની માંગ કરી છે.
પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો:
આ ઘટના હંડાનાકેરે પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં બની હોવાથી પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને બિલ્ડિંગના બાંધકામની ગુણવત્તા તેમજ તંત્ર કે એન્જિનિયરોની બેદરકારી અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
