News of Tuesday, 18th August 2026
સુપ્રીમ કોર્ટની કાર્યવાહી વચ્ચે CJP ની આકરી શરતો: 'જો તપાસ સમિતિના સભ્યો નિષ્પક્ષ નહીં હોય તો સ્વીકાર્ય નથી' - દિલ્હી સંસદ માર્ચ વિવાદમાં વિરોધ પ્રદર્શનકારીઓનો મોટો નિર્ણય
દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર કથિત પોલીસ બર્બરતાની તપાસ માટે સર્વોચ્ચ અદાલત રચશે ઉચ્ચ-સ્તરીય કમિટી; સહ-સંયોજક સૌરભ દાસ અને રત્ના સિંહે કમિટીમાં CJP ના સભ્યોની પણ માંગી ભાગીદારી

નવી દિલ્હી, તા.૧૮: દિલ્હીમાં સંસદ માર્ચ દરમિયાન વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ પર થયેલા કથિત પોલીસ બળપ્રયોગ અને બર્બરતાના મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી તેજ બની ગઈ છે. મંગળવારે સુપ્રીમ કોર્ટે આ સમગ્ર ઘટનાની તપાસ માટે નિવૃત્ત ન્યાયાધીશ, પૂર્વ ડીજીપી અને પૂર્વ સીબીઆઈ ડિરેક્ટર સહિતના નિષ્ણાતોની એક ઉચ્ચ-સ્તરીય તપાસ સમિતિ બનાવવાની જાહેરાત કરી છે. જોકે, અરજીકર્તા 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) એ સુપ્રીમ કોર્ટ સમક્ષ પોતાની આકરી શરતો રજૂ કરીને કાયદાકીય વર્તુળોમાં ચર્ચા જગાડી દીધી છે.
સમિતિની નિષ્પક્ષતા સામે CJP ની સ્પષ્ટ ચિંતન અને શરત:
સુપ્રીમ કોર્ટની બહાર મીડિયા સાથે વાતચિત કરતા CJP ના સહ-સંયોજક સૌરભ દાસે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો કોર્ટ કમિટીની રચના કરી રહી હોય તો તેના સભ્યોની પસંદગી શંકાથી પર હોવી જોઈએ. તેમણે ઉમેર્યું, "આ સમગ્ર દેશના યુવાનો અને પીડિતો માટે સુપ્રીમ કોર્ટ જ ન્યાયની અંતિમ આશા છે. આ કોઈ સરકારી કમિટી નથી પરંતુ સુપ્રીમ કોર્ટની સમિતિ છે. તેથી તેના સભ્યોનો રેકોર્ડ તટસ્થ અને પ્રામાણિક હોવો અનિવાર્ય છે. જો એવા લોકોની નિમણૂક કરવામાં આવશે જેમના પર અગાઉથી સવાલો ઉઠેલા છે, તો અમે આવી સમિતિને બિલકુલ સ્વીકારીશું નહીં."
CJP સભ્યોનો પણ તપાસ ટીમમાં સમાવેશ કરવાની માંગ:
CJP ના લીગલ અફેર્સના વડા રત્ના સિંહે જણાવ્યું હતું કે તેઓ આ પ્રકારની કોઈ વિલંબિત સમિતિ ઇચ્છતા નહોતા, પરંતુ સરકાર દ્વારા આપવામાં આવેલા તમામ આશ્વાસનો અને નોંધાયેલી એફઆઈઆર (FIR) તાત્કાલિક રદ થાય તે તેમની પ્રાથમિકતા હતી. તેમણે માંગ કરી હતી કે ગ્રાઉન્ડ રિયાલિટી અને રજૂ કરાયેલા પુરાવાઓની સચોટ ચકાસણી થઈ શકે તે માટે આ ઉચ્ચ-સ્તરીય સમિતિમાં CJP ના પ્રતિનિધિનો પણ સમાવેશ કરવામાં આવે અને તમામ સભ્યોના નામો સાર્વજનિક રીતે જાહેર કરવામાં આવે.
બુધવારે સુપ્રીમ કોર્ટ જારી કરશે કમિટી અંગેનો આદેશ:
ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાનની બનેલી સ્પેશિયલ બેન્ચે નોંધ્યું છે કે વિવિધ પક્ષકારો તરફથી સૂચનો મળી રહ્યા છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે બુધવારે કમિટીના સભ્યોના નામો અને તેની ચોક્કસ રૂપરેખા સાથે સત્તાવાર આદેશ જારી કરવામાં આવશે.
(5:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
