હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બંદીવાન હાથીઓના કલ્યાણ માટે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય: સમગ્ર દેશમાં 'હાથી ક્લિનિક્સ' સ્થાપવા અને નિયમિત હેલ્થ ચેકઅપ ફરજિયાત કરવાનો કેન્દ્ર સરકારને આદેશ
દેશભરના ૨,૭૦૦ થી વધુ બંધક હાથીઓ માટે તબીબી રેકોર્ડ અને DNA પ્રોફાઇલિંગ જાળવવું પડશે; "જો હાથીની પૂજા કરો છો તો તેની યોગ્ય સંભાળ પણ રાખો" - સર્વોચ્ચ અદાલતની આકરી ટિપ્પણી

નવી દિલ્હી, તા.૧૮: ભારતભરમાં બંદીવાન તરીકે રાખવામાં આવેલા ૨,૭૦૦ થી વધુ હાથીઓની સુરક્ષા, આરોગ્ય અને કલ્યાણને લઈને સુપ્રીમ કોર્ટે મંગળવારે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક આદેશ જારી કર્યો છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જસ્ટિસ જોયમલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાનની ત્રિપુટી બેન્ચે કેન્દ્ર સરકારને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે તેઓ તમામ રાજ્યો સાથે સંકલન કરીને વિશેષ સુવિધાઓ ધરાવતા 'હાથી ક્લિનિક્સ' ની સ્થાપના કરે અને તમામ બંદીવાન હાથીઓ માટે સમયાંતરે આરોગ્ય તપાસ ફરજિયાત બનાવે.
દરેક ગજરાજનો તબીબી રેકોર્ડ અને DNA પ્રોફાઇલિંગ ફરજિયાત:
સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો છે કે દરેક બંદીવાન હાથીનો પ્રોપર મેડિકલ રેકોર્ડ જાળવવામાં આવે અને કલ્યાણ સમિતિ એ સુનિશ્ચિત કરે કે તેમને સમયસર યોગ્ય સારવાર મળી રહે. આ ઉપરાંત, કોર્ટે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEFCC) પાસે દેશના તમામ બંદીવાન હાથીઓના DNA પ્રોફાઇલિંગ અંગેનો વ્યાપક સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. DNA પ્રોફાઇલિંગનો મુખ્ય હેતુ હાથીઓની ગેરકાયદેસર તસ્કરી, ટ્રાન્સફર અને ખરીદ-વેચાણ પર સંપૂર્ણ રોક લગાવવાનો છે.
ખાનગી માલિકી અને ધાર્મિક ઉપયોગ પર કોર્ટનું વલણ:
આંકડા મુજબ દેશમાં ૧,૬૭૮ હાથીઓ ખાનગી વ્યક્તિઓ પાસે, ૯૬ મંદિરોમાં, ૭૮૬ વન વિભાગ પાસે, ૪૭ સર્કસમાં, ૬૩ પ્રાણીસંગ્રહાલયમાં અને ૩૫૮ પુનર્વસન કેન્દ્રોમાં છે. કેરળના મંદિર હાથીઓ અંગે વિવાદ પર કોર્ટે સ્પષ્ટ કર્યું કે તે હાલમાં કોઈના ધાર્મિક કે વ્યક્તિગત અધિકારોમાં હસ્તક્ષેપ નથી કરી રહી, પરંતુ જો મંદિરમાં ધાર્મિક શોભાયાત્રા માટે હાથીનો ઉપયોગ થતો હોય તો પણ તેના કામના કલાકો અને સંભાળનું કડક નિયમન થવું જોઈએ.
"હાથીની પૂજા કરો છો તો સંભાળ પણ રાખો":
સુનાવણી દરમિયાન અરજદારે બંદીવાન હાથીઓ પ્રત્યે થતી ક્રૂરતા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે નોંધ્યું કે દાયકાઓથી કેદમાં રહેલા વયસ્ક હાથીઓને હવે સીધા જંગલમાં છોડી શકાય તેમ નથી, તેથી તેમની યોગ્ય સંભાળ જ એકમાત્ર વિકલ્પ છે. સુનાવણીના અંતે બેન્ચે આકરા પરંતુ માર્મિક શબ્દોમાં ટિપ્પણી કરી હતી કે, "જો તમે હાથીની પૂજા કરો છો, તો હાથીની પૂરી નિષ્ઠાથી સંભાળ પણ રાખો."









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
