<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

UP-જાપાન ઇન્વેસ્ટમેન્ટ મીટ 2026: ઉત્તર પ્રદેશમાં આકાર લેશે 500 એકરનું 'જાપાનીઝ સિટી' : 10,000 યુવાનો માટે રોજગારીના નવા દ્વાર ખુલશે

યોગી સરકારના $1 ટ્રિલિયન અર્થતંત્રના વિઝનને બળ આપવા અને ઉત્તર પ્રદેશમાં યોજાઈ રહેલી 5 દિવસીય ગ્રાન્ડ સમિટમાં 200થી વધુ જાપાની સીઈઓ અને નીતિ નિર્માતાઓનો મહાસંગમ : ગ્રેટર નોઈડા ક્ષેત્રમાં ₹3,191 કરોડના મેગા પ્રોજેક્ટ્સ અને અત્યાધુનિક ઇન્ડસ્ટ્રિયલ પાર્કનું ભવ્ય પ્લાનિંગ

નવી દિલ્હી :  મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ઉત્તર પ્રદેશને દેશનું અગ્રણી ઔદ્યોગિક ગ્રોથ એન્જિન અને વૈશ્વિક રોકાણ કેન્દ્ર બનાવવાના મહત્વાકાંક્ષી અભિયાનમાં જાપાન સાથેની ભાગીદારી એક નવો ઇતિહાસ રચવા જઈ રહી છે. 18 થી 23 ઓગસ્ટ દરમિયાન દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં યોજાઈ રહેલી 'યુપી-જાપાન ઇન્વેસ્ટમેન્ટ મીટ 2026'માં 200થી વધુ ટોચના જાપાની ઉદ્યોગપતિઓ, સીઈઓ અને નીતિ નિર્માતાઓ ભાગ લઈ રહ્યા છે. યામાનાશી પ્રીફેક્ચરના ગવર્નર કોટારો નાગાસાકીના નેતૃત્વ હેઠળ આવેલા આ ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળનું કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પાંચ દિવસીય રોકાણ પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય જાપાની ટેકનોલોજી, સીધા વિદેશી રોકાણ (FDI) અને સંયુક્ત પ્રોજેક્ટ્સ દ્વારા રાજ્યને $1 ટ્રિલિયન અર્થતંત્ર તરફ આગળ ધપાવવાનો છે.

આ સમિટની સૌથી મોટી અને આકર્ષક જાહેરાત ગ્રેટર નોઈડાના યમુના એક્સપ્રેસવે ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી  વિસ્તારમાં 500 એકરમાં વિશાળ 'જાપાનીઝ સિટી' બનાવવાની યોજના છે. આ પ્લગ-એન્ડ-પ્લે ઈન્ડસ્ટ્રિયલ ક્લસ્ટરમાં જાપાની કંપનીઓ, તેમની સપ્લાયર ચેઈન અને એન્સિલરી ઉદ્યોગો માટે વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. આ સિવાય, કાર્યક્રમ દરમિયાન એસ્કોર્ટ્સ કુબોટા અને મિન્ડા કોર્પોરેશનના કુલ ₹3,191 કરોડના રોકાણ પ્રોજેક્ટ્સનું વર્ચ્યુઅલ ગ્રાઉન્ડબ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ બે મોટા પ્રોજેક્ટ્સ દ્વારા જ રાજ્યના 10,000થી વધુ કૌશલ્યવાન યુવાનોને સીધી રોજગારીની તકો પ્રાપ્ત થશે.

પાંચ દિવસ દરમિયાન દિલ્હી ઉપરાંત લખનૌ, આગ્રા, ગ્રેટર નોઈડા અને વારાણસી ખાતે અલગ-અલગ વિષયો પર વિશેષ સત્રો યોજાશે. નવી દિલ્હીમાં યોજાયેલી 'હાઈ-લેવલ CEO રાઉન્ડ ટેબલ'માં કેન્દ્રીય મંત્રીઓ અશ્વિની વૈષ્ણવ અને શિવરાજ સિંહ ચૌહાણે પણ હાજરી આપી હતી. 21 ઓગસ્ટે લખનૌના ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન ખાતે મુખ્ય રાજ્ય-સ્તરીય પરિષદ યોજાશે, જેમાં G2B અને B2B મેચમેકિંગ સત્રો દ્વારા સેમિકન્ડક્ટર, ક્લીન અને ગ્રીન એનર્જી, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન હાઈડ્રોજન અને બૌદ્ધ સર્કિટ ટુરિઝમ જેવા ભવિષ્યના ક્ષેત્રોમાં કરારોને આખરી ઓપ અપાશે. Panasonic, Daikin, Toshiba, Sumitomo અને Honda Trading જેવી વૈશ્વિક જાપાની બ્રાન્ડ્સની સક્રિય ભાગીદારી ઉત્તર પ્રદેશને વૈશ્વિક રોકાણકારો માટેનું પ્રથમ પસંદગીનું સ્થળ બનાવી રહી છે.

(6:07 PM IST)