<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

મેયર ઝોહરાન મમદાનીએ મફત બ્રોડવે ટિકિટોનો પ્રચાર કરવા NYC ના વિદ્યાર્થીઓને બંગાળી અને મેન્ડેરિનમાં સંબોધ્યા? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો પાછળનું સાચું સત્ય

ન્યૂ યોર્કના હાઈસ્કૂલ વિદ્યાર્થીઓ માટે ૨,૦૦૦ થી વધુ ફ્રી ટિકિટ લોટરી જાહેરાત બાદ વાયરલ વીડિયોને લઈને AI ના ઉપયોગના દાવા; મેયરના પ્રવક્તાએ સ્પષ્ટતા કરીને અફવાઓ ફગાવી

ન્યૂ યોર્ક, તા.૧૮: ન્યૂ યોર્ક શહેરના મેયર ઝોહરાન મમદાની હાલ સોશિયલ મીડિયા પર તેમના બહુભાષી સંબોધનને કારણે ભારે ચર્ચામાં છે. ન્યૂ યોર્ક શહેરના વૈવિધ્યસભર સમુદાયો અને ખાસ કરીને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સાથે જોડાવાના હેતુથી તેમણે સોશિયલ મીડિયા પર બંગાળી અને મેન્ડેરિન (ચીની) ભાષામાં વીડિયો સંદેશાઓ જારી કર્યા હતા. જોકે, તેમની આ ભાષાકીય કુશળતા જોઈને નેટીઝન્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને ઓનલાઈન નવી ચર્ચા શરૂ થઈ ગઈ હતી.

 

"કેમોન અચો" થી બંગાળીમાં કરી ખાસ જાહેરાત:

વાયરલ વીડિયોમાં ઝોહરાન મમદાની બંગાળી ભાષામાં "કેમોન અચો" (કેમ છો) કહીને વિદ્યાર્થીઓને આવકારે છે. તેમણે જાહેરાત કરતાં બંગાળીમાં કહ્યું કે, ન્યૂ યોર્ક સિટી તરફથી વિદ્યાર્થીઓ માટે ૨,૦૦૦ થી વધુ મફત બ્રોડવે ટિકિટો આપવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું કે લોટરીમાં ભાગ લેનારા દરેક વિદ્યાર્થીને થિયેટર ડેવલપમેન્ટ ફંડમાં બે મહિનાની મફત સભ્યપદ પણ મળશે. વીડિયોના અંતે તેમણે બંગાળીમાં કહ્યું, "ઠીકાચે, તાહોલે દેખા હોબે શો તે" (ઠીક છે, તો પછી શોમાં મળીશું).

 

શું મેન્ડેરિન વીડિયો AI દ્વારા બનાવાયો હતો?

બંગાળી વીડિયો બાદ મમદાનીએ વધુ એક વીડિયો શેર કર્યો, જેમાં તેઓ પોતાના ડેસ્ક પર બેસીને લગભગ ૪૧ સેકન્ડ સુધી અસ્ખલિત રીતે મેન્ડેરિન બોલતા નજરે પડે છે. આ ક્લિપ વાયરલ થતાં જ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે શંકા વ્યક્ત કરી કે મેયરનો અવાજ અને હોઠની ગતિવિધિઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલ્સ દ્વારા ડિજિટલી બદલાયેલી છે.

 

મેયરના પ્રવક્તાએ અફવાઓ ફગાવી દીધી:

વધતી અટકળો વચ્ચે મેયરના પ્રેસ સેક્રેટરી અને મુખ્ય પ્રવક્તા જો કેલ્વેલોએ X (ટ્વિટર) પર સ્પષ્ટતા કરતા લખ્યું કે, "આ કોઈ AI નથી." તેમણે સ્પષ્ટ કર્યું કે મેયરે પોતે આ ભાષાઓ બોલી છે. નોંધનીય છે કે મમદાની જ્યારે બ્રોન્ક્સ હાઇ સ્કૂલ ઓફ સાયન્સમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમણે મેન્ડેરિન ભાષા શીખી હતી.

 

વિદ્યાર્થીઓ માટે બ્રોડવેને સુલભ બનાવવાનો પ્રયાસ:

આ તમામ વીડિયો ન્યૂ યોર્ક સિટી હાઇ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે હાથ ધરવામાં આવેલી એક ખાસ ભાગીદારી પ્રોત્સાહિત કરવા માટે બનાવવામાં આવ્યા હતા. લોટરી દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને સાત પ્રખ્યાત બ્રોડવે પ્રોડક્શન્સમાંથી એક શો જોવા માટે બે મફત ટિકિટ મળશે, જેથી ટિકિટના ઊંચા ભાવને કારણે થિયેટરથી વંચિત રહેતા યુવાનો પણ આ કળાનો આનંદ માણી શકે.

 

(6:14 PM IST)