<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

ટ્રમ્પની યુક્તિઓ નિષ્ફળ: કિમ જોંગ ઉન હવે અમેરિકાના ઈશારે કેમ નથી નાચતા?

૨૦૧૯ની હનોઈ સમિટ પછી ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને પોતાની સૈન્ય, આર્થિક અને રાજદ્વારી શક્તિમાં અભૂતપૂર્વ વધારો કરીને ટ્રમ્પના દબાણ અને વાટાઘાટોની આક્રમક નીતિઓને સંપૂર્ણપણે અપ્રાસંગિક બનાવી દીધી

પ્યોંગયાંગ :  યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પોતાની જૂની સોદાબાજીની વ્યૂહરચના દ્વારા ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ કિમ હવે ૨૦૧૯ના યુગમાં નથી. હનોઈ સમિટ અનિર્ણાયક રહ્યા પછી કિમે અમેરિકા સમક્ષ ઝૂકવાને બદલે ખતરનાક પરમાણુ અને આંતરખંડીય બેલિસ્ટિક મિસાઈલ (ICBM) ક્ષમતાઓ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમેરિકી ભૂમિ પર સીધા પ્રહાર કરી શકે તેવા શસ્ત્રો તૈયાર કરીને ઉત્તર કોરિયાએ પોતાની સુરક્ષા એટલી મજબૂત કરી લીધી છે કે તેને હવે ટ્રમ્પના કોઈપણ દાવા કે લાલચથી પ્રભાવિત થવાની જરૂર રહી નથી.

રશિયા-યુક્રેન યુદ્ધે કિમ જોંગ ઉનને વૈશ્વિક રાજકારણમાં એક નવું શક્તિશાળી સ્થાન અપાવ્યું છે. રશિયાને આર્ટિલરી શેલ, મિસાઈલો અને પોતાના સૈનિકો પૂરા પાડીને ઉત્તર કોરિયાએ માત્ર આધુનિક યુદ્ધનો સીધો અનુભવ જ મેળવ્યો નથી, પરંતુ બદલામાં વ્લાદિમીર પુતિન પાસેથી અદ્યતન લશ્કરી તકનીક અને ઉપગ્રહ ટેકનોલોજી પણ મેળવી છે. આ ઉપરાંત, ચીન સાથેના સંબંધો ફરી મજબૂત થતાં અને રશિયાના સહયોગથી કિમ પાસે હવે બે મહાસત્તાઓનું પીઠબળ છે, જેના કારણે તે અમેરિકન ધમકીઓ સામે સંપૂર્ણપણે ભયમુક્ત બની ગયા છે.

વિશ્વના સૌથી કડક આર્થિક પ્રતિબંધો છતાં રશિયા સાથેના લશ્કરી વેપાર, ચીનની ગુપ્ત મદદ અને સાયબર અસ્કયામતો દ્વારા ઉત્તર કોરિયાનું અર્થતંત્ર સુધરી રહ્યું છે, જેથી તેને અમેરિકી રાહતની જરૂર નથી. ભૂતકાળના અનુભવોથી કિમ સારી રીતે સમજી ગયા છે કે ટ્રમ્પની રાજદ્વારી માત્ર મીડિયા હેડલાઈન્સ અને ખાલી વચનો પૂરતી સીમિત હોય છે. યુએસ વહીવટીતંત્રની વારંવાર બદલાતી નીતિઓ અને ભ્રામક વલણને કારણે કિમે અમેરિકા સાથેની નકામી વાટાઘાટોમાં સમય બગાડવાનું બંધ કરીને સંપૂર્ણપણે નવી વ્યૂહાત્મક દિશા અપનાવી લીધી છે.

(6:27 PM IST)