<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

રામ લલ્લાના દર્શનથી લઈને સોશિયલ મીડિયા પર નવો અવતાર: વીરેન્દ્ર સેહવાગે કેમ બદલ્યું પોતાનું નામ?

અયોધ્યામાં રામ મંદિરની મુલાકાત લીધાના તરત જ પછી સેહવાગે સોશિયલ મીડિયા પર પોતાના નામની જોડણીમાં ફેરફાર કરતા ચાહકોમાં ભારે કૂતુહલ અને ન્યુમેરોલોજીની ચર્ચાઓ જાગી

નવી દિલ્હી  :  ટીમ ઈન્ડિયાના  પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ નિવૃત્તિના એક દાયકા પછી પણ પોતાના રોચક મંતવ્યો અને સોશિયલ મીડિયા પરની સક્રિયતાને કારણે સતત હેડલાઈન્સમાં રહે છે. તાજેતરમાં ૧૭ ઓગસ્ટે અયોધ્યા પહોંચીને રામ લલ્લાના પાવન દર્શન કર્યા બાદ સેહવાગે અચાનક પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર નામની જોડણી  બદલીને તેમાં એક નવો અક્ષર ‘R’ ઉમેરી દીધો છે. આ અચાનક થયેલા ફેરફારે તેના કરોડો ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે અને રમત જગતમાં આ નિર્ણયને લઈને વિવિધ અટકળો વહેતી થઈ છે.

સેહવાગ દ્વારા કરવામાં આવેલા આ નામના બદલાવ પાછળ કોઈ ધાર્મિક શ્રદ્ધા છે કે પછી અંકશાસ્ત્રનું ગણિત, તે અંગે સ્પષ્ટતા સામે આવી નથી પરંતુ નિષ્ણાતો તેને ન્યુમેરોલોજીિકલ કારણો સાથે જોડી રહ્યા છે. ક્રિકેટના મેદાન પર બોલરો સામે આક્રમક બેટિંગ માટે જાણીતા સેહવાગે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર અલગ જોડણી અપનાવીને એક નવો વિવાદ અને ચર્ચાનો વિષય ઊભો કર્યો છે. અયોધ્યા દર્શન બાદ તરત જ લેવાયેલા આ પગલાએ ચાહકોમાં ભારે ઉત્સુકતા જગાડી છે કે શું આ બદલાવ તેમની જિંદગીની કોઈ નવી ઇનિંગ્સનો સંકેત છે.

પોતાના કરિયરમાં ૧૦૪ ટેસ્ટ મેચોમાં ૮,૫૮૬ રન અને ૨૫૧ વનડેમાં ૮,૨૭૩ રન બનાવનાર સેહવાગ ટેસ્ટ ક્રિકેટમાં બે વાર ત્રેવડી સદી અને વનડેમાં બેવડી સદી ફટકારનાર ભારતનો એકમાત્ર ખાસ ક્રિકેટર રહ્યો છે. નિવૃત્તિ પછી પણ ક્રિકેટ નિષ્ણાત તરીકે ખુલ્લેઆમ પોતાના વિચારો રજૂ કરતા સેહવાગે નામમાં કરેલો આ નાનકડો ફેરફાર દર્શાવે છે કે તે મેદાનની બહાર પણ પોતાના અનોખા અંદાજથી લોકોને ચોંકાવવાની ક્ષમતા ધરાવે છે.

(6:28 PM IST)