<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

કિંગ ખાનના ‘મન્નત’માં બે સાપ નીકળતા સ્ટાફમાં મચી નાસભાગ

આલીશાન બંગલામાં નવીનીકરણના કામ દરમિયાન આઠ ફૂટ લાંબો સાપ પકડાતાં ખળભળાટ મચ્યો : જ્યારે બીજો સાપ ગુમ થતાં વન વિભાગની ટીમ હજુ પણ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે

મુંબઈ: બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના બાંદ્રા સ્થિત આલીશાન બંગલા 'મન્નત'માં નવીનીકરણનું કામ ચાલી રહ્યું હોવાથી કિંગ ખાન પોતાના પરિવાર સાથે હાલ અન્ય ફ્લેટમાં શિફ્ટ થયા છે. આ દરમિયાન  મોડી રાત્રે બંગલાના બગીચામાં એકસાથે બે વિશાળ સાપ જોવા મળતા સિક્યોરિટી અને હાઉસકીપિંગ સ્ટાફમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. સ્ટાફે વિલંબ કર્યા વિના તરત જ વન વિભાગ અને સ્થાનિક સ્નેક કેચરને આ બાબતે જાણ કરી હતી.

વન વિભાગના અધિકારીઓ અને સ્નેક કેચર ઝુબેર શાહે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બગીચાના શેડ નીચે ફસાયેલા આશરે ૮ ફૂટ લાંબા બિન-ઝેરી સાપને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી લીધો હતો. આ સાપને કોઈપણ જાતની ઈજા પહોંચાડ્યા વિના જંગલ વિસ્તારમાં તેના કુદરતી નિવાસસ્થાનમાં મુક્ત કરી દેવામાં આવ્યો હતો. જોકે, બંગલામાં સ્ટાફની ભારે અવાજ અને અવરજવરના કારણે બીજો સાપ અંધારાનો લાભ ઉઠાવીને ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.

ગુમ થયેલા બીજા સાપને શોધવા માટે વન વિભાગની ટીમે મોડી રાત સુધી સમગ્ર બંગલા અને આસપાસના વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું, પરંતુ તે હજી સુધી મળી આવ્યો નથી. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બીજો સાપ બંગલાની સીમાની બહાર નીકળી ગયો હોઈ શકે છે, છતાં સુરક્ષાના કારણોસર સ્ટાફમાં હજુ પણ ભયનો માહોલ છે. નોંધનીય છે કે 'મન્નત'માં વધારાના બે માળનું બાંધકામ ચાલી રહ્યું છે અને સુપ્રીમ કોર્ટ તરફથી પણ આ નવીનીકરણને લીલી ઝંડી મળી ચૂકી છે.

(7:02 PM IST)