રાજસ્થાનની સરકારી શાળાઓમાં 'દૂધ કટોકટી': પન્નાધય બાલ ગોપાલ યોજના હેઠળ ૫૮% પુરવઠાની ભારે અછત, ૬૫ હજાર શાળાઓના લાખો બાળકો પોષણથી વંચિત
૩૭.૫૬ લાખ કિલોની માગ સામે મળ્યો માત્ર ૧૫.૭૩ લાખ કિલો દૂધ પાવડર; મુખ્યાજીના ગૃહ જિલ્લા સહિત ૧૭ જિલ્લાઓ સાવ કોરાધાકોર, ખુલ્લા બજારમાં કાળાબજારી અને ચોરીનો સનસનાટીભર્યો પર્દાફાશ

જયપુર : રાજસ્થાનની સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના હેઠળ ચાલતી મહત્વકાંક્ષી 'પન્નાધય બાલ ગોપાલ યોજના' હાલ ગંભીર પુરવઠા સંકટનો સામનો કરી રહી છે. સરકારી આંકડાઓ મુજબ રાજ્યની લગભગ ૬૫,૦૦૦ સરકારી શાળાઓમાં સ્કિમ્ડ મિલ્ક પાવડરના પુરવઠામાં ૫૮% નો ભયાનક ઘટાડો નોંધાયો છે, જેના કારણે લાખો ગરીબ વિદ્યાર્થીઓ દૈનિક પોષણયુક્ત દૂધથી વંચિત રહી ગયા છે.
૧૭ જિલ્લાઓમાં દૂધ પાવડરનો એક પણ દાણો પહોંચ્યો નથી:
શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજેશ યાદવે પશુપાલન અને ડેરી વિભાગને પાઠવેલા આકરા પત્રમાં ખુલાસો થયો છે કે શાળાઓ દ્વારા સમયસર માગ નોંધાવવામાં આવી હોવા છતાં આ અછત સર્જાઈ છે. કુલ ૩૭,૫૬,૪૩૦ કિલોગ્રામ દૂધ પાવડરની માગ સામે ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી શાળાઓને માત્ર ૧૫,૭૩,૮૧૫ કિલોગ્રામ (૪૧.૯૦%) જ જથ્થો મળ્યો છે. ચિંતાજનક બાબત એ છે કે રાજ્યના ૪૧ માંથી ૧૭ જિલ્લાઓમાં દૂધ પાવડરનો એક પણ કિલો જથ્થો પહોંચ્યો નથી, જેમાં મુખ્યમંત્રી ભજનલાલ શર્માના ગૃહ જિલ્લા ભરતપુરનો પણ સમાવેશ થાય છે.
બાળકોનું દૂધ મીઠાઈની દુકાનોમાં કાળાબજારી થતું હોવાનો પર્દાફાશ:
દૂધ પાવડરની આ સર્જાયેલી અછત પાછળ સરકારી જથ્થાની ચોરી અને કાળાબજારી મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. શાળાઓમાં બાળકો માટે મોકલવામાં આવતો સબસિડીવાળો દૂધ પાવડર ખાનગી માવા અને મીઠાઈની દુકાનોમાં ગેરકાયદેસર રીતે વેચાઈ રહ્યો છે. તાજેતરમાં જયપુરના ચૌમુ વિસ્તારમાં પોલીસે દરોડો પાડીને સરકારી દૂધ પાવડર ભરેલી એક પિકઅપ ટ્રક જપ્ત કરી હતી અને ૩,૦૦૦ કિલો દૂધ પાવડરની ખુલ્લા બજારમાં ચોરી કરવા બદલ રાજસ્થાન કોઓપરેટિવ ડેરી ફેડરેશન (RCDF) દ્વારા FIR નોંધાવવામાં આવી છે.
રાજકીય ગરમાવો અને ઉચ્ચ સ્તરીય તપાસની માગ:
સરકારી શાળાઓના અંદાજે ૬૯ લાખથી વધુ વિદ્યાર્થીઓને દૈનિક ૧૫૦ થી ૨૦૦ મિલી ગરમ દૂધ આપવાની આ યોજનામાં કૌભાંડ સામે આવતાં જ રાજકારણ ગરમાયું છે. પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં આરોપ લગાવ્યો છે કે બાળકો દૂધની વાટ જોઈ રહ્યા છે અને સરકારી જથ્થો બજારમાં કાળાબજારીમાં વેચાઈ રહ્યો છે. તેમણે આ સમગ્ર નેટવર્કની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની કડક માગ કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
