<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

"આ મારા જીવનની સૌથી ખુશ ક્ષણ છે!": 'કોકરોચ મેન' અભિજીત દીપકના 'શાળા સુધારો' અભિયાનને મળી અભૂતપૂર્વ સફળતા, ગ્રામજનોના સહયોગથી સરકારી શાળાનું ચિત્ર બદલાયું

મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં લિંબાલા અને સંતુક પિંપરી ગામની શાળામાં નવો તખ્તો પલટાયો; શરાબી પ્રિન્સિપાલ સસ્પેન્ડ, બાળકો માટે બેન્ચ, કમ્પ્યુટર, CCTV અને શૌચાલયોમાં પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ

સતારા : 'વંદો જનતા પાર્ટી' (કોકરોચ જનતા પાર્ટી - CJP) ના સ્થાપક અને સોશિયલ મીડિયા પર 'કોકરોચ મેન' તરીકે જાણીતા અભિજીત દીપકનું દેશભરની સરકારી શાળાઓની દશા સુધારવાનું અભિયાન હવે રંગ લાવવાનું શરૂ થયું છે. નવી દિલ્હીના જંતર-મંતર પર વિવિધ મુદ્દાઓ અંગે આંદોલન કર્યા બાદ અભિજીત દીપકે પોતાના વતન મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લાની સરકારી શાળાઓમાંથી "શાળા સુધારો" (ફિક્સ ધ સ્કૂલ) ઝુંબેશ શરૂ કરી હતી. માત્ર થોડા જ દિવસોમાં તેમના આ અભિયાનના પરિણામે શાળાઓમાં અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળ્યું છે.

 

બાળકો માટે ડેસ્ક-બેન્ચ અને કમ્પ્યુટર્સની વ્યવસ્થા:

મંગળવારે સોશિયલ મીડિયા પર શાળાની નવીનતમ તસવીરો અને વિડીયો શેર કરતાં અભિજીત દીપકે અત્યંત ભાવુક થઈને લખ્યું કે, "મારા ગામના બાળકોને આખરે તેમની શાળામાં બેસવા માટે સુંદર બેન્ચ અને ડેસ્ક મળી ગયા છે! આ કદાચ મારા જીવનની સૌથી મોટી અને ખુશીની ક્ષણોમાંની એક છે." તેમણે વધુમાં જણાવ્યું કે જ્યારે સરકારી તંત્ર નિષ્ફળ જાય છે ત્યારે જનતા પોતે મદદનો હાથ લંબાવે છે. ગ્રામજનોના સાથ-સહકારથી હવે શાળામાં બાળકો માટે કમ્પ્યુટર્સ પણ મૂકવામાં આવ્યા છે.

 

શરાબી આચાર્ય સસ્પેન્ડ, ૧૫ ઓગસ્ટે શરૂ થઈ હતી લડાઈ:

અભિજીત દીપકે અગાઉ લિંબાલા ગામની જિલ્લા પરિષદ શાળામાં દારૂ પીને આવતા પ્રિન્સિપાલનો પર્દાફાશ કર્યો હતો, જેના પગલે તંત્રે આચાર્યને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા. ત્યારબાદ ૧૫ ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિને તેમણે સંતુક પિંપરી ગામની શાળાની મુલાકાત લઈ તૂટેલી બારીઓ, ખરાબ સીસીટીવી અને પાણી વગરના શૌચાલયોની દયનીય સ્થિતિ ઉજાગર કરી હતી. આ વિડીયો વાયરલ થતાં જ સ્થાનિક સરપંચ અને ગ્રામ પંચાયત તુરંત હરકતમાં આવ્યા હતા.

 

તંત્ર જાગ્યું: નવી બારીઓ, CCTV અને શૌચાલયમાં ૨૪ કલાક પાણી:

સંતુક પિંપરીના સરપંચ વિજય પુરીએ જણાવ્યું હતું કે અભિજીત દીપકે દર્શાવેલી તમામ ખામીઓ પર યુદ્ધના ધોરણે કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. ક્ષતિગ્રસ્ત બારીઓના ગ્લાસ અને ફ્રેમ બદલી દેવામાં આવ્યા છે, બંધ પડેલા સીસીટીવી કેમેરા રિપેર કરાયા છે અને શૌચાલયોમાં ૨૪ કલાક પાણીની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગે પણ તમામ સમારકામ ઝડપથી પૂર્ણ કરવાના આદેશ આપ્યા છે.

(7:37 PM IST)