<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

શંકાસ્પદ વિદેશી ટ્રાન્સફર પર આવકવેરા વિભાગની મોટી ડિજિટલ સ્ટ્રાઈક: દેશભરમાં ૩૯૪ બોગસ કંપનીઓ અને ૩૬ CA વિભાગના સ્કેનર હેઠળ!

છેલ્લા ૩ વર્ષમાં વિદેશ મોકલાયેલા કરોડો રૂપિયાના શંકાસ્પદ ફંડિંગ સામે તપાસ તેજ; ફોર્મ 15CB ઈશ્યૂ કરનારા વ્યાવસાયિકો અને શેલ એન્ટિટીઓ પર સેન્ટ્રલ એજન્સીઓનો સંકંજો

નવી દિલ્હી : ભારતમાંથી વિદેશી હૂંડિયામણના ગેરકાયદેસર બાહ્ય ટ્રાન્સફર અને મની લોન્ડરિંગની આશંકાઓ સામે આવકવેરા વિભાગે (Income Tax Department) દેશવ્યાપી મોટું તપાસ અભિયાન શરૂ કર્યું છે. ગ્રાઉન્ડ ઈન્ટેલિજન્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ડેટા એનાલિટિક્સના આધારે છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન અસામાન્ય રીતે મોટી રકમ વિદેશ મોકલનારી શંકાસ્પદ સંસ્થાઓ અને નેટવર્ક પર આકરાં પ્રહારો કરવામાં આવી રહ્યા છે.

 

શંકાસ્પદ શેલ કંપનીઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ પર સિકંજો:

આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, આ તપાસનો મુખ્ય ધ્યાન કેન્દ્ર શંકાસ્પદ શેલ એન્ટિટીઓ (કાગળ પર ચાલતી કંપનીઓ), તેને બેકડોરથી ઓપરેટ કરતી વ્યક્તિઓ અને કોઈપણ યોગ્ય ચકાસણી વગર 'ફોર્મ 15CB' પ્રમાણપત્ર જારી કરનારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA) પર છે. દેશની સરહદી સીમા ધરાવતા રાજ્યોમાં સ્થિત ૧૧૭ સહિત સમગ્ર દેશમાં કુલ ૩૯૪ શંકાસ્પદ એન્ટિટીઓ અને ૩૬ વ્યાવસાયિકો હાલ તપાસ એજન્સીઓના સ્કેનર હેઠળ આવ્યા છે.

 

બોગસ દાન અને ખોટા ખર્ચાઓ બતાવી વિદેશ ફંડ ટ્રાન્સફર કરવાનો ખેલ:

તાજેતરમાં કાલ્પનિક ચેરિટેબલ ટ્રસ્ટો દ્વારા બોગસ ડોનેશન અને એન્ટ્રીઓ આપવાના કૌભાંડ બાદ હાથ ધરાયેલા દરોડામાં આ આંતરરાષ્ટ્રીય ફંડ ટ્રાન્સફરનો પર્દાફાશ થયો હતો. તપામમાં સામે આવ્યું છે કે વિદેશી રેમિટન્સમાં સામેલ મોટાભાગની કંપનીઓ કાં તો ટેક્સ રિટર્ન (ITR) ભરતી નહોતી અથવા તો અતિશય ઓછું ટર્નઓવર દર્શાવતી હતી. તેમના વ્યવસાય અને આર્થિક પ્રોફાઇલની સરખામણીએ વિદેશ મોકલાયેલી કરોડો રૂપિયાની રકમ ભારે અસંગત અને શંકાસ્પદ જણાઈ છે. આ સિવાય સોફ્ટવેર ઈમ્પોર્ટ, ફ્રેટ પેમેન્ટ અને કન્સલ્ટિંગ સર્વિસના નામે બોગસ કારણો દર્શાવીને પૈસા બહાર મોકલાયા હતા.

 

તપાસ તંત્રની કડક ચેતવણી અને નોટિસ:

આવકવેરા વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે વિદેશી રેમિટન્સના કર અસરોની યોગ્ય ચકાસણી કર્યા બાદ જ ફોર્મ 15CB જારી કરવાનું હોય છે, જેમાં મોટી બેદરકારી સામે આવી છે. વિભાગે વ્યાવસાયિકોને પૂરતા આધારપુરાવા વગર સર્ટિફિકેટ ન આપવાની આકરી સલાહ આપી છે. સાથે જ, આ તપાસ અંતર્ગત નોટિસ મેળવનારા કરદાતાઓને નિર્ધારિત સમયમાં નાણાંના સ્ત્રોતના દસ્તાવેજો અને સંબંધિત કાગળો સાથે જવાબ રજૂ કરવા આદેશ અપાયો છે.

(7:41 PM IST)