હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
"ગઠબંધન હવે નહીં ચાલે!": ભાજપના સાથી પક્ષ તિપ્રા મોથાની ખુલ્લી ચેતવણી, ત્રિપુરામાં ભાજપ સરકાર મુશ્કેલીમાં; ગમે ત્યારે ગઠબંધન તૂટવાના એંધાણ
માર્ચ ૨૦૨૪ ના ત્રિપક્ષીય કરારનો અમલ નહીં થાય તો ટીએમપી ગ્રામ સમિતિની ચૂંટણીઓ એકલા હાથે લડશે; પ્રદ્યોત દેવવર્માએ કહ્યું- "આદિવાસીઓને હક નહીં મળે તો અમારો રસ્તો અલગ હશે"

ગુવાહાટી : ત્રિપુરામાં ભાજપના નેતૃત્વ હેઠળની ગઠબંધન સરકારમાં મોટો રાજકીય ભૂકંપ આવવાના સંકેતો મળી રહ્યા છે. આગામી ત્રિપુરા ટ્રાઇબલ એરિયાઝ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ (TTAADC) ની ગ્રામ સમિતિની ચૂંટણીઓ પહેલાં જ ભાજપના સાથી પક્ષ તિપ્રા મોથા પાર્ટી (TMP) એ આકરું વલણ અપનાવ્યું છે. તિપ્રા મોથાના વડા પ્રદ્યોત વિક્રમ માણિક્ય દેવવર્માએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો કેન્દ્ર અને રાજ્ય સરકાર તેમની સાથે થયેલા કરારની શરતો પૂરી નહીં કરે, તો તેઓ ભાજપ સાથેનું જોડાણ તોડી નાખશે.
ત્રિપક્ષીય કરાર અને બંધારણીય હકોની માંગ:
પ્રદ્યોત દેવવર્માએ સોમવારે ટીએમપી નેતાઓની મહત્ત્વની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ૨ માર્ચ, ૨૦૨૪ ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં હસ્તાક્ષર કરાયેલા ત્રિપક્ષીય કરારને જો ભાજપ ગંભીરતાથી લાગુ નહીં કરે, તો તેમની પાસે ગઠબંધનમાંથી ખસી જવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે. તેમણે ઉમેર્યું કે, "જો ત્રિપુરાના આદિવાસી વિસ્તારના લોકોને વચન આપેલા બંધારણીય અધિકારો આપવામાં નહીં આવે, તો અમે અમારો અલગ રસ્તો પસંદ કરવા માટે મજબૂર બનીશું."
નવી દિલ્હીની બેઠક અનિર્ણાયક રહી, તણાવ વધ્યો:
તાજેતરમાં નવી દિલ્હી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અને ઉત્તર-પૂર્વ સંયોજક સંબિત પાત્રા સાથે ટીએમપી નેતાઓની બેઠક યોજાઈ હતી. જોકે, આ બેઠકમાં TTAADC હેઠળની ૫૮૭ ગ્રામ સમિતિઓની ચૂંટણી માટે સંયુક્ત વ્યૂહરચના અંગે કોઈ સહમતિ સધાઈ શકી નહોતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ યોજાયેલી કાઉન્સિલ ચૂંટણીમાં ટીએમપીએ ૨૮ માંથી ૨૪ બેઠકો જીતીને પોતાનો દબદબો સાબિત કર્યો હતો, જ્યારે ભાજપ માત્ર ૪ બેઠકો પર સમેટાઈ ગયું હતું.
ભાજપના આદિવાસી નેતાઓએ લગાવ્યા ગંભીર આરોપો:
બીજી તરફ, ભાજપના આદિવાસી નેતાઓએ તિપ્રા મોથા પર બેવડી નીતિ અપનાવવાનો આરોપ લગાવ્યો છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે ટીએમપી એક તરફ રાજકીય રીતે દબાણ બનાવી રહી છે અને બીજી તરફ આદિવાસી વિસ્તારોમાં પૂર્વ આતંકવાદી જૂથોના સહારે રસ્તા રોકો જેવા વિરોધ પ્રદર્શનો ઉશ્કેરી રહી છે. બારામુરા હિલ્સ જેવા વિસ્તારોમાં ચાલતા આ વિરોધોના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે અને રાજ્ય સરકાર પર ગેરવાજબી દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
