<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

મહિલા કર્મચારીઓ માટે ઐતિહાસિક નિર્ણય: હવે ત્રીજા બાળકના જન્મ પર પણ મળશે આખા ૧ વર્ષ (૩૬૫ દિવસ) ની મેટરનિટી લીવ!

મુખ્યમંત્રી વિજયના નેતૃત્વ હેઠળની તમિલનાડુ સરકારે મહિલા સશક્તિકરણ તરફ મોટું પગલું ભર્યું; ૧૨ અઠવાડિયાની જૂની મર્યાદા નાબૂદ કરી પ્રથમ બે બાળકો જેટલો જ સમાન લાભ જાહેર કર્યો

ચેન્નઈ : મહિલા સરકારી કર્મચારીઓના કલ્યાણ અને મહિલા સશક્તિકરણની દિશામાં તમિલનાડુ સરકારે એક સીમાચિહ્નરૂપ અને મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી વિજયના નેતૃત્વ હેઠળની સરકારે જાહેરાત કરી છે કે હવે રાજ્ય સરકારમાં કાર્યરત મહિલા કર્મચારીઓને તેમના ત્રીજા બાળકના જન્મ પર પણ પૂરા ૩૬૫ દિવસ (૧ વર્ષ) ની મેટરનિટી લીવ (પ્રસૂતિ રજા) આપવામાં આવશે.

 

તમિલનાડુ વિધાનસભામાં માનવ સંસાધન પ્રબંધન મંત્રી ડી. શરથકુમારે આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ નવી નીતિનો મુખ્ય હેતુ મહિલા કર્મચારીઓને તેમના નવજાત બાળકની સંભાળ અને પોતાના સ્વાસ્થ્ય માટે પૂરતો સમય આપવાનો છે.

 

જૂનો નિયમ બદલાયો, ભેદભાવ થયો દૂર:

અત્યાર સુધીના નિયમો મુજબ, મહિલા સરકારી કર્મચારીઓને પ્રથમ બે બાળકોના જન્મ સમયે ૩૬૫ દિવસની સવેતન રજા મળતી હતી, પરંતુ ત્રીજા બાળકના કિસ્સામાં આ રજા ઘટાડીને માત્ર ૧૨ અઠવાડિયા (૮૪ દિવસ) કરી દેવામાં આવતી હતી. મહિલા કર્મચારીઓ તરફથી લાંબા સમયથી માગણી કરવામાં આવી રહી હતી કે બાળકના ઉછેર અને માતાના સ્વાસ્થ્યની જરૂરિયાતો દરેક પ્રસૂતિમાં સરખી જ હોય છે. મદ્રાસ હાઈકોર્ટના અવલોકનો અને સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશોને ધ્યાનમાં રાખીને સરકારે આ તફાવત દૂર કરવાનો નિર્ણય કર્યો છે.

 

દાયકાઓથી રજાઓમાં સતત વધારો:

રાજ્ય સરકારે સમય જતાં મહિલાઓના હિતમાં સતત સુધારા કર્યા છે. ૨૦૧૧માં પ્રસૂતિ રજા ૯૦ દિવસથી વધારીને ૬ મહિના અને ૨૦૧૬માં ૯ મહિના કરવામાં આવી હતી. ત્યારબાદ જુલાઈ ૨૦૨૧માં પ્રથમ બે બાળકો માટે તેને એક વર્ષ (૩૬૫ દિવસ) કરવામાં આવી હતી. હવે આ ઐતિહાસિક નિર્ણયથી ત્રીજા બાળકના કિસ્સામાં પણ સમાન એક વર્ષની રજાનો લાભ મળશે.

 

મહિલા કર્મચારીઓ અને સંગઠનોએ સરકારના આ પ્રગતિશીલ નિર્ણયને ઉષ્માભેર આવકાર્યો છે. સરકાર ટૂંક સમયમાં જ આ અંગે વિગતવાર સરકારી આદેશ (G.O.) બહાર પાડશે.

(8:22 PM IST)