News of Tuesday, 18th August 2026
"રોકાણ કરવું હોય તો અમેરિકા જ પસંદ કરો": યુએસ રાજદૂત સર્જિયો ગોરે ભારતીય કંપનીઓના કર્યા વખાણ
ભારતીય કંપનીઓ દ્વારા અમેરિકામાં $૨૦ બિલિયનથી વધુના નવા રોકાણને આવકારતા યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરે ભારતને વૈશ્વિક રોકાણ ક્ષેત્રે નંબર વન ગણાવ્યું : દ્વિપક્ષીય વેપારને ૨૦૩૦ સુધીમાં $૫૦૦ બિલિયન સુધી પહોંચાડવાનું લક્ષ્ય

નવી દિલ્હી : ઇન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (IACC) ના એક વિશેષ કાર્યક્રમમાં બોલતા ભારતમાં યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરે વૈશ્વિક આર્થિક મંચ પર ભારતની વધતી તાકાતની ઉમળકાભેર પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું હતું કે યુએસમાં નવું રોકાણ આકર્ષવામાં ભારતીય મિશન સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે રહ્યું છે, જ્યાં ભારતીય કંપનીઓએ $૨૦ બિલિયનથી વધુના નવા રોકાણની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવી છે. ગોરે ભારતીય ઉદ્યોગપતિઓને અપીલ કરી હતી કે જો તેઓ પોતાના વ્યવસાયનું વિદેશમાં વિસ્તરણ કરવાનું વિચારતા હોય, તો અમેરિકા જ તેમની પહેલી પસંદ હોવું જોઈએ.
પોતાના સંબોધનમાં યુએસ રાજદૂતે દક્ષિણ કેરોલિનામાં સુંદરમ ક્લેટન, ન્યુ જર્સીમાં નેટકો ફાર્મા અને અલાબામામાં રૂટ્સ ગ્રુપ જેવા ભારતીય કોર્પોરેટ જૂથોના સફળ વિસ્તરણનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે ભારતીય રોકાણથી અમેરિકન ભૂમિ પર સેંકડો નવી રોજગારીની તકો ઊભી થઈ છે, જે બંને દેશો માટે 'વિન-વિન' એટલે કે પરસ્પર ફાયદાકારક સ્થિતિ છે. અગાઉ બે દશક પહેલાં બંને દેશો વચ્ચેનો વેપાર માત્ર $૨૦ બિલિયન હતો, જે આજે વધીને $૨૪૦ બિલિયનને પાર પહોંચી ગયો છે.
ટ્રમ્પ વહીવટીતંત્રના ‘ટ્રસ્ટ ઇનિશિયેટિવ’નો ઉલ્લેખ કરતા ગોરે સ્પષ્ટ કર્યું કે એઆઈ, સેમિકન્ડક્ટર, એરોસ્પેસ અને સંરક્ષણ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ભારત અને અમેરિકા સાથે મળીને સપ્લાય ચેઇનને વધુ મજબૂત બનાવી રહ્યા છે. એમેઝોન, માઇક્રોસોફ્ટ અને ગૂગલ જેવી અમેરિકી દિગ્ગજ કંપનીઓ પણ ભારતમાં અબજો ડોલરનું રોકાણ કરી રહી છે. અમેરિકા પોતાની ૪૦% જેટલી જેનેરિક દવાઓ ભારતમાંથી આયાત કરે છે, જે બંને મહાસત્તાઓ વચ્ચેના ગાઢ વિશ્વાસ અને મજબૂત આર્થિક ભાગીદારીની સાબિતી આપે છે.
(8:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
