News of Tuesday, 18th August 2026
હોટલમાં બે પત્નીઓ વચ્ચે વિસ્ફોટક અને હિંસક સંગ્રામ: વાળ ખેંચાખેંચી અને મારપીટ જોઈને ઇજિપ્તના રાષ્ટ્રીય ફૂટબોલ કોચ હોસમ હસન રસ્તા પર જ બેભાન થઈ ઢળી પડ્યા!
પોર્ટો મરિના હોટલમાં બનેલી હાઇડ્રામા ઘટનાનો વિડીયો વાયરલ; તબિયત લથડતાં કોચને હોસ્પિટલમાં ખસેડાયા, ઘટના બાદ પત્નીને છૂટાછેડા આપ્યાના અહેવાલથી ભારે ચર્ચા

કૈરો : ઇજિપ્તની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમને ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ માં ઐતિહાસિક સફળતા અપાવનારા સુપ્રસિદ્ધ કોચ હોસમ હસન એક ભારે વિવાદાસ્પદ અને શરમજનક કૌટુંબિક ઘટનાને કારણે ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. ઇજિપ્તના ઉત્તર કિનારે આવેલી પ્રખ્યાત 'પોર્ટો મરિના' હોટલમાં હોસમ હસનની બે પત્નીઓ વચ્ચે થયેલી જોરદાર હિંસક અથડામણ બાદ ગભરાટ અને અંધાધૂંધીના માહોલ વચ્ચે કોચ રસ્તા પર જ બેભાન થઈને ઢળી પડ્યા હતા. આ ઘટનાનો સનસનાટીભર્યો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
હોટલમાં હાઇડ્રામા: વાળ ખેંચાયા અને સરેઆમ મારામારી થઈ:
અહેવાલો અનુસાર, હોટલના પરિસરમાં હોસમ હસનની પહેલી પત્ની હોવૈદા અલ-ગરબાવી અને બીજી પત્ની દિના "ડેન આદમ" મુસ્તફા વચ્ચે કોઈ વાતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે બંને મહિલાઓ એકબીજાના વાળ ખેંચીને રસ્તા પર જ મારામારી કરવા લાગી હતી. હોટલના સિક્યુરિટી ગાર્ડ્સ, પરિવારના સભ્યો અને અન્ય મહેમાનોએ વચ્ચે પડીને બંનેને અલગ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં બંનેને શરીર પર ઈજાઓ અને ઉઝરડા પહોંચ્યા હતા.
કોચ બેભાન થઈ ઢળી પડ્યા, હોસ્પિટલ ખસેડાયા:
આ સમગ્ર હિંસક ઘટના વખતે હોસમ હસન પોતે ત્યાં હાજર હતા અને તેમણે બંને પત્નીઓને શાંત પાડવાનો તથા લડાઈ રોકવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જોકે, હોટલમાં સર્જાયેલી ભારે અંધાધૂંધી, માનસિક તણાવ અને બ્લડ પ્રેશર વધી જવાના કારણે કોચ હસન રસ્તા પર જ બેભાન થઈ ગયા હતા. પરિસ્થિતિ ગંભીર જણાતાં તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની તબિયત ખતરાથી બહાર હોવાનું કહેવાય છે.
કાનૂની વિવાદ અને છૂટાછેડાના અહેવાલ:
આ હિંસક વિવાદ હવે કાનૂની વળાંક લઈ ચૂક્યો છે. ડેન આદમના વકીલે આરોપ લગાવ્યો છે કે આ એક પૂર્વયોજિત હુમલો હતો અને તેમની ક્લાયન્ટ પર ગંભીર હુમલો કરવામાં આવ્યો છે. બીજી તરફ, ઘટનાના તાત્કાલિક બાદ હોસમ હસને પોતાની પહેલી પત્ની હોવૈદાને છૂટાછેડા આપી દીધા હોવાના અહેવાલો પણ વહેતા થયા છે. ઉલ્લેખનીય છે કે, હસનના માર્ગદર્શન હેઠળ જ ઇજિપ્તની ટીમે વર્લ્ડ કપ ૨૦૨૬ માં ઓસ્ટ્રેલિયાને હરાવીને પ્રથમ વખત છેલ્લી ૧૬ ટીમોમાં સ્થાન મેળવી ઈતિહાસ રચ્યો હતો.
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
