News of Tuesday, 18th August 2026
'મારા સાથી ન્યાયાધીશ આ કેસ નહીં સાંભળે!': સાંસદો અને ધારાસભ્યો સામેના ૪,૦૦૦ થી વધુ કેસોની સુનાવણી દરમિયાન CJI સૂર્યકાંતે ભાજપ નેતાની અરજી પર કર્યો મોટો ખુલાસો
બેન્ચમાં સામેલ જસ્ટિસ વી. મોહના અગાઉ આ જ કેસમાં વકીલ રહી ચૂક્યા હોવાથી સુનાવણીથી અલગ થયા; દેશના ૧૪ મુખ્યમંત્રીઓ અને ૨૫૧ લોકસભા સાંસદો સામે ફોજદારી કેસ હોવાનો સુપ્રીમ કોર્ટમાં સનસનાટીભર્યો રિપોર્ટ

નવી દિલ્હી : દેશભરમાં લોકપ્રતિનિધિઓ (સાંસદો અને ધારાસભ્યો) સામે પેન્ડિંગ રહેલાં હજારો ફોજદારી કેસોના ઝડપી નિકાલ અંગેની અતિ મહત્વપૂર્ણ જાહેર હિતની અરજી (PIL) ની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં એક નાટ્યાત્મક વળાંક આવ્યો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતની આગેવાની હેઠળની ત્રણ જજની બેન્ચ સમક્ષ સુનાવણી શરૂ થતાં જ તેમણે જાહેરાત કરી હતી કે તેમના સહયોગી ન્યાયાધીશ આ કેસની સુનાવણીનો ભાગ બનશે નહીં અને આ કેસને બીજી બેન્ચ સમક્ષ સૂચિબદ્ધ કરવામાં આવશે.
જસ્ટિસ વી. મોહના કેસમાંથી કેમ અલગ થયા?
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જસ્ટિસ જોયમલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બનેલી પીઠ સમક્ષ ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાય દ્વારા વર્ષ ૨૦૧૬ માં દાખલ કરાયેલી આ અરજી સુનાવણી માટે આવી હતી. જજ બેન્ચ પર બેસતાં જ CJI સૂર્યકાંતે આદેશ આપતાં સ્પષ્ટ કર્યું કે, "મારા સાથીદાર જસ્ટિસ વી. મોહના ભૂતકાળમાં વકીલ તરીકે આ કેસમાં હાજર રહી ચૂક્યા છે, તેથી ન્યાયિક નૈતિકતા જાળવીને તેઓ આ કેસની સુનાવણીથી પોતાને અલગ કરી રહ્યા છે."
રાજકારણના અપરાધીકરણ અંગે 'એમિકસ ક્યુરી'નો ચોંકાવનારો રિપોર્ટ:
જસ્ટિસ મોહના અલગ થયા બાદ આ કેસમાં કાનૂની સહાયક ('એમિકસ ક્યુરી') તરીકે નિયુક્ત વરિષ્ઠ વકીલ વિજય હંસારિયાએ આ કેસની ગંભીરતા દર્શાવતા નવી બેન્ચની તાત્કાલિક રચના કરવા વિનંતી કરી હતી. તેમણે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કરતાં જણાવ્યું હતું કે દેશભરમાં વર્તમાન અને ભૂતપૂર્વ સાંસદો તથા ધારાસભ્યો સામે ૪,૦૦૦ થી વધુ ફોજદારી કેસો પેન્ડિંગ છે. આશ્ચર્યજનક રીતે, લોકસભાના ૫૪૩ માંથી ૨૫૧ સભ્યો અને રાજ્યસભાના ૨૩૩ માંથી ૭૫ સભ્યો સામે ગંભીર ગુનાહિત કેસો નોંધાયેલા છે.
દેશના ૧૪ મુખ્યમંત્રીઓ સામે પણ ફોજદારી કેસો:
હંસારિયાના અહેવાલમાં રજૂ કરાયેલા આંકડા મુજબ, દેશના ૨૮ રાજ્યોમાંથી ૧૪ રાજ્યોના મુખ્યમંત્રીઓએ પોતાની સામે ફોજદારી કેસ હોવાનું જાહેર કર્યું છે. આ યાદીમાં તેલંગાણાના મુખ્યમંત્રી અનુમુલા રેવંત રેડ્ડી સામે સૌથી વધુ ૮૯ કેસો નોંધાયેલા છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના નેતા સુવેન્દુ અધિકારી સામે ૨૯ કેસ અને કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર સામે ૧૯ ફોજદારી કેસ નોંધાયેલા છે. સુપ્રીમ કોર્ટ હવે આ કેસની સુનાવણી માટે ટૂંક સમયમાં નવી બેન્ચની જાહેરાત કરશે.
(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
