હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દિલ્હી જળ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન અને પૂર્વ IAS ઉદિત પ્રકાશ રાય સહિત ૬ લોકોની ACB દ્વારા ધરપકડ
STP ટેન્ડરમાં મોટી ગેરરીતિ અને રૂ. ૧.૫૨ કરોડની લાંચના આરોપમાં કાર્યવાહી : ભાજપે પંજાબ ચૂંટણી પહેલાં ડરના કારણે એક્શન લીધા હોવાનો આમ આદમી પાર્ટીનો આક્ષેપ

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના સીનિયર નેતા અને દિલ્હી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી જળ બોર્ડના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) ના અપગ્રેડેશન ટેન્ડરમાં થયેલા મોટા કૌભાંડ, ગેરરીતિઓ અને ગુનાહિત કાવતરાના આરોપસર ૧૮ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ પૂર્વ મંત્રી સહિત કુલ ૬ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ કેસ ૧૧ મે ૨૦૨૪ ના રોજ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ અને IPC ની વિવિધ કલમો હેઠળ નોંધવામાં આવ્યો હતો.
**IAS અધિકારી અને કંપની માલિકો સહિત ૬ લોકોની ધરપકડ:**
એસીબી દ્વારા સત્યેન્દ્ર જૈન ઉપરાંત જે અન્ય પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં:
* દિલ્હી જળ બોર્ડના પૂર્વ સીઈઓ અને IAS અધિકારી ઉદિત પ્રકાશ રાય
* દિલ્હી જળ બોર્ડના પૂર્વ કોન્ટ્રેક્ચ્યુઅલ કન્સલ્ટન્ટ અંકિત શ્રીવાસ્તવ
* M/s AN એન્ટરપ્રાઈઝના પ્રોપ્રાઈટર નાગેન્દ્ર યાદવ
* M/s યુરોટેક એન્વાયરન્મેન્ટ પ્રાઈવેટ લિમિટેડના ઓનર રાજા કુમાર કુરા
* M/s સૃજનહારના પ્રોપ્રાઈટર પંકજ વર્માનો સમાવેશ થાય છે.
**શું છે સમગ્ર કૌભાંડ અને નાણાકીય હેરાફેરી?**
દિલ્હી વિજિલન્સ ડિરેક્ટોરેટની ફરિયાદના આધારે હાથ ધરાયેલી તપાસમાં સામે આવ્યું હતું કે, દિલ્હી જળ બોર્ડના STP અપગ્રેડેશન ટેન્ડરમાં સ્પર્ધા ખતમ કરવા અને ચોક્કસ કંપની M/s યુરોટેક એન્વાયરન્મેન્ટ પ્રાઈવેટ લિમિટેડને જ ફાયદો પહોંચાડવા માટે ટેન્ડરની ટેકનિકલ શરતોમાં જાણીજોઈને ફેરફાર કરવામાં આવ્યા હતા. આ માટે જરૂરી પાયલોટ સ્ટડી કરાવવામાં આવ્યો નહોતો અને ટ્રીટેડ પાણીના જરૂરી પેરામીટર્સ પણ હટાવી દેવાયા હતા.
નાણાકીય તપાસમાં બહાર આવ્યું છે કે કમિશન અને લાંચના નાણાં M/s સૃજનહાર અને M/s AN એન્ટરપ્રાઈઝ મારફતે ફેરવવામાં આવ્યા હતા. યુરોટેક સાથે સંકળાયેલી કંપનીઓમાંથી નાગેન્દ્ર યાદવની પેઢીમાં મોટી રકમ આવી હતી. આક્ષેપ મુજબ, પૂર્વ સીઈઓ ઉદિત પ્રકાશ રાય અને તેમના સગાંઓના બેંક ખાતાઓમાં AN એન્ટરપ્રાઈઝ દ્વારા રૂ. ૧.૫૨ કરોડની લાંચ મોકલવામાં આવી હતી, જે નાણાંથી પ્રોપર્ટી ખરીદવામાં આવી હતી. આ કૌભાંડથી સરકારી તિજોરીને ભારે નુકસાન થયું હોવાનું પોલીસે જણાવ્યું છે.
**આમ આદમી પાર્ટીનો ભાજપ પર પંજાબ ચૂંટણીને લઈને પ્રહાર:**
બીજી તરફ, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મીડિયા પ્રભારી અનુરાગ ઢાંડાએ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાજપ AAP થી ડરી રહી હોવાના આનાથી મોટા પુરાવા બીજા શું હોઈ શકે. તેમણે ઉમેર્યું કે જે જળ બોર્ડ ટેન્ડરનો હવાલો આપવામાં આવી રહ્યો છે તે સમયે સત્યેન્દ્ર જૈન જેલમાં હતા, તો તેઓ જેલમાંથી કેવી રીતે જવાબદાર હોઈ શકે? આ કાર્યવાહી પાછળનું અસલી કારણ સત્યેન્દ્ર જૈન પંજાબના સહ-પ્રભારી છે અને પંજાબમાં ચૂંટણી આવી રહી છે તે જ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
