<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

અધિકારીઓનાં સંતાનો માટે સરકારી શાળામાં જ શિક્ષણ ફરજિયાત કરોઃ દીપકે

મંત્રીઓ, નેતાઓ તેમનાં બાળકોને સરકારી સ્‍કૂલમાં મોકલે : નેતાઓ પોતાની રેલીઓ માટે બસો દોડાવી શકતા હોય તો ગામડાંના બાળકો માટે સ્‍કૂલ બસ કેમ નહીં

મુંબઈ,તા.૧૯: સરકારી અધિકારીઓનાં સંતાનો માટે સરકારી શાળામાં જ એડમિશન ફરજિયાત કરવું જોઈએ. આ ઉપરાંત મંત્રીઓ તથા નેતાઓનાં સંતાનો માટે પણ સપ્તાહમાં એક વખત સરકારી શાળાની મુલાકાતનો નિયમ બનવો જોઈએ તેમ કોંકરોચ જનતા પાર્ટીના સ્‍થાપત અભિજીત દીપકેએ મહારાષ્ટ્રના હિગોલીમાં ‘સ્‍કૂલ ઠીક કરો' અભિયાન વખતે જણાવ્‍યું હતું.

દીપકેએ કહ્યું હતું કે દૂરના વિસ્‍તારોમાં બાળકોને ઘણીવાર ૭થી ૧૦ કિલોમીટર સુધી ચાલીને શાળાએ જવું પડે છે અને ચોમાસામાં રસ્‍તાઓ કાદવયુક્‍ત થતાં તેમજ પાણીથી ભરાઈ જતા તેમની મુશ્‍કેલીઓ વધી જાય છે. રાજકીય નેતાઓ ચૂંટણી રેલીઓ માટે બસો અને ટ્રેનોની વ્‍યવસ્‍થા કરી શકે છે, પરંતુ ગરીબ વિદ્યાર્થીઓ માટે બસની વ્‍યવસ્‍થા કરી શકતા નથી તેવી ટીકા પણ તેણે કરી હતી.

હિગોલી જિલ્‍લાના લિબાળા ગામની જિલ્‍લા પરિષદ શાળાના મુખ્‍યાધ્‍યાપકનો વર્ગખંડમાં કથિત રીતે દારૂ પીને સૂઈ જવાનો વીડિયો દીપકેએ અગાઉ જાહેર કર્યો હતો. આ મામલે અધિકારીઓએ મંગળવારે મુખ્‍યાધ્‍યાપકને સસ્‍પેન્‍ડ કર્યો હતો. દીપકેએ જણાવ્‍યું કે શાળામાં ચાર શિક્ષકોની જરૂરિયાત સામે માત્ર બે શિક્ષકો છે અને વધુ બે શિક્ષકોની નિમણૂક જરૂરી છે. ગામલોકોએ બે વર્ષ પહેલાં મુખ્‍યાધ્‍યાપકને હટાવવાની માંગ કરી હોવા છતાં શિક્ષણ વિભાગના અધિકારીઓએ કાર્યવાહી ન કરી હોવાનો પણ તેણે આક્ષેપ કર્યો હતો.

(10:15 AM IST)