<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

ઇન્‍સ્‍ટાગ્રામની જાહેરાત પર ક્‍લિક કરતાં ફોન હેંગઃ ખાતામાંથી ૯૮૦૦૦ ગાયબ

સાયબર ગઠિયાઓએ ત્રણ ટ્રાન્‍ઝેક્‍શનમાં રકમ ઉપડી, પોલીસે કડક તપાસ આદરી

ગ્‍વાલિયર,તા.૧૯: સોશિયલ મીડિયા પર દેખાતી અજાણી જાહેરાતો પર ક્‍લિક કરવું કેટલું જોખમી સાબિત થઈ શકે છે તેનો એક ચોંકાવનારો કિસ્‍સો મધ્‍યપ્રદેશના ગ્‍વાલિયરમાં સામે આવ્‍યો છે. ઇન્‍સ્‍ટાગ્રામ ચલાવતી વખતે એક જાહેરાત પર ક્‍લિક કરતાં જ મોબાઇલ હેંગ થઈ ગયો હતો અને ગણતરીના કલાકોમાં સાયબર ગઠિયાઓએ UPI દ્વારા બેંક ખાતામાંથી રૂ.૯૮ હજાર ઉપાડી લીધા હતા. ખાતાનું બેલેન્‍સ માઇનસમાં પહોંચ્‍યા બાદ પરિવારને આ ઠગાઈની જાણ થઈ હતી.

ગ્‍વાલિયરના પુરાની છાવણી પોલીસ સ્‍ટેશન વિસ્‍તાર હેઠળના રુદ્રપુરામાં રહેતા જયપ્રતાપ સિહ બાથમે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, ૧૧ ઓગસ્‍ટના રોજ તેમની પત્‍ની રચના બાથમ પોતાના ફોન પર ઇન્‍સ્‍ટાગ્રામ ચલાવી રહી હતી. તે દરમિયાન સ્‍ક્રીન પર એક જાહેરાત દેખાઈ હતી. જેવી તેણે આ જાહેરાત પર ક્‍લિક કરી કે તરત જ ફોન સંપૂર્ણપણે હેંગ થઈ ગયો હતો. મોબાઇલનું કોઈપણ ફંક્‍શન કામ કરતું નહોતું અને તેને સ્‍વિચ ઓફ પણ કરી શકાતો નહોતો. મોબાઇલ સતત હેંગ રહેતાં જયપ્રતાપ નજીકના પુરાની છાવણી ચોકડી પર આવેલી મોબાઇલ શોપ પર પહોંચ્‍યા હતા. દુકાનદારે કોઈક રીતે ફોન બંધ કરીને ફરી ચાલુ કરી આપ્‍યો હતો. જોકે તે સમયે પરિવારને સહેજ પણ અંદાજ નહોતો કે ફોન સાથે કોઈ મોટો સાયબર ફ્રોડ થઈ ચૂક્‍યો છે.

મોબાઇલ ચાલુ થયા બાદ રાત્રે આશરે ૧૨ વાગ્‍યે જયપ્રતાપના ફોન પર લોનના હપ્તા (EMI) સંબંધિત એક મેસેજ આવ્‍યો હતો. તેમણે ખાતાની વિગતો તપાસી તો તેમના હોશ ઊડી ગયા હતા; એકાઉન્‍ટનું બેલેન્‍સ માઇનસ ૨,૯૭૦ રૂપિયા બતાવી રહ્યું હતું. જયપ્રતાપે તરત જ પત્‍નીને પૂછ્‍યું કે કોઈને પૈસા ટ્રાન્‍સફર કર્યા છે કે નહીં, પરંતુ પત્‍નીએ સ્‍પષ્ટ ના પાડી દીધી હતી. પીડિતના જણાવ્‍યા અનુસાર તેમના બેંક ખાતામાં આશરે એક લાખ રૂપિયા જમા હતા. અચાનક તમામ રકમ ગાયબ થઈ જતાં પરિવારે તાત્‍કાલિક સાયબર હેલ્‍પલાઇન નંબર ૧૯૩૦ પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.

બીજા દિવસે બેંક શાખામાંથી સ્‍ટેટમેન્‍ટ કઢાવતાં માલૂમ પડ્‍યું કે યુપીઆઈ દ્વારા ત્રણ અલગ-અલગ ટ્રાન્‍ઝેક્‍શન કરીને કુલ રૂ.૯૮,૦૦૦ કોઈ અજાણ્‍યા ખાતામાં ટ્રાન્‍સફર કરી લેવાયા હતા. જયપ્રતાપે ૧૬ ઓગસ્‍ટે પુરાની છાવણી પોલીસ સ્‍ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ સાયબર સેલને સોંપી દીધી છે. તપાસ એજન્‍સીઓ એ દિશામાં તપાસ કરી રહી છે કે જાહેરાત પર ક્‍લિક કરતાં જ મોબાઇલ કેવી રીતે હેક થયો અને હેકર્સે પીડિતના બેંક એકાઉન્‍ટ તેમજ યુપીઆઈ સુધી કેવી રીતે એક્‍સેસ મેળવ્‍યો.

(10:17 AM IST)