૯ મહિના બાદ અડીયાલા જેલમાં ઈમરાન ખાનની પરિવાર સાથે ભાવુક મુલાકાત
સુપ્રીમ કોર્ટના કડક વલણ સામે ઝૂકયુ જેલ પ્રશાસનઃ હોસ્પિટલ શિફિંટગ પર વિવાદ

ઇસ્લામાબાદ, તા.૧૯: પાકિસ્તાનના રાજકારણમાં રાવલપિંડીની ઉચ્ચ સુરક્ષા ધરાવતી અદિયાલા જેલ ફરી એકવાર મોટા કાનૂની અને રાજકીય સંગ્રામનું કેન્દ્ર બની છે. પાકિસ્તાન સુપ્રીમ કોર્ટના આકરા વલણ અને કડક આદેશો બાદ, લગભગ ૯ મહિનાથી જેલના સળિયા પાછળ બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને તેમની પત્ની બુશરા બીબી અને બહેન નૂરીન નિયાઝી સાથે મળવાની મંજૂરી આપવામાં આવી હતી. અદિયાલા જેલ બહાર દહગલ ચેકપોઇન્ટ પર ભારે પોલીસ બંદોબસ્ત અને તંગ વાતાવરણ વચ્ચે આ મુલાકાત થઈ હતી, જેને કોર્ટે કોઈ ઉપકાર નહીં પરંતુ બંધારણીય અધિકાર ગણાવ્યો હતો.
આ મુલાકાત દરમિયાન જેલની અંદર ભારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા, જ્યાં બુશરા બીબી અને ઈમરાન ખાન વચ્ચે લગભગ ૩૫ મિનિટ સુધી કાનૂની લડાઈ, જેલની સ્થિતિ અને ભવિષ્યની રાજકીય વ્યૂહરચનાઓ અંગે ગંભીર ચર્ચા થઈ હતી. જેલ પ્રશાસન દ્વારા રજૂ કરવામાં આવેલા મેડિકલ રિપોર્ટમાં ૭૩ વર્ષીય ઈમરાન ખાનનું બ્લડ પ્રેશર અત્યંત વધી જવાની અને ગંભીર તણાવની વિગતો સામે આવ્યા બાદ, દેશની સર્વોચ્ચ અદાલતે તેમને તાત્કાલિક ઈસ્લામાબાદની શિફા ઈન્ટરનેશનલ હોસ્પિટલમાં દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. આ સારવારની દેખરેખ માટે એક સ્વતંત્ર મેડિકલ બોર્ડની રચના કરવાનો પણ નિર્દેશ અપાયો છે.
જોકે, સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી શાહબાઝ શરીફ સરકાર અને કાયદા મંત્રાલયમાં ભારે ખળભળાટ મચી ગયો છે. કાયદા મંત્રી આઝમ નઝીર તરારે સ્પષ્ટ કર્યું છે કે સરકાર આ નિર્ણય સામે પુનર્વિચાર અરજી (સમીક્ષા અરજી) દાખલ કરશે. સરકારનો દાવો છે કે જેલમાં બંધ કોઈ ચોક્કસ રાજકીય કેદીને ખાનગી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવાથી અન્ય કેદીઓ માટે અસમાનતા ઊભી થશે. ઓગસ્ટ ૨૦૨૩થી જેલમાં બંધ ઈમરાન ખાનના સ્વાસ્થ્ય અને તેમના ટ્રાન્સફરને લઈને હવે કોર્ટ અને સરકાર વચ્ચે સીધો સંઘર્ષ જોવા મળી રહ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
