News of Wednesday, 19th August 2026
અમેરિકન ડ્રીમ પર વાદળો: સુરક્ષા ચિંતા અને વિઝાની કડક નીતિઓના કારણે યુએસએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો ભરોસો ગુમાવ્યો, ન્યૂઝીલેન્ડ-જર્મની બન્યા નવી પસંદ
નેવિટાસના વૈશ્વિક સર્વેમાં ચોંકાવનારો ખુલાસો: 64 દેશોના એજન્ટોએ વિઝા પ્રક્રિયા અને સલામતી મામલે યુનાઇટેડ સ્ટેટ્સને આપ્યા સૌથી ઓછા માર્ક્સ

નવી દિલ્હી, તા.19: વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સ્વપ્ન સેવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે હવે અમેરિકા પહેલી પસંદગી નથી રહ્યું. સલામતી અંગેની વધતી ચિંતાઓ, વિઝા પ્રક્રિયામાં કડક કાયદા અને સોશિયલ મીડિયા સ્ક્રીનિંગ જેવા આકરા નિયમોના કારણે યુનાઇટેડ સ્ટેટ્સ વિદ્યાર્થીઓનો વિશ્વાસ ઝડપથી ગુમાવી રહ્યું છે. નવીનતમ 'નેવિટાસ એજન્ટ પર્સેપ્શન સર્વે' (રાઉન્ડ 10) મુજબ, અન્ય અગ્રણી દેશોની સરખામણીમાં યુએસ હવે એક સક્ષમ અને આકર્ષક અભ્યાસ સ્થળ તરીકે સતત પાછળ ધકેલાઈ રહ્યું છે.
મે 2026માં હાથ ધરવામાં આવેલા આ વ્યાપક સર્વેક્ષણમાં વિશ્વના 64 દેશોના 870 જેટલા શિક્ષણ એજન્ટોએ ભાગ લીધો હતો. સર્વેમાં બહાર આવેલા આંકડા અમેરિકી શિક્ષણ જગત માટે ચિંતાજનક છે. માત્ર 31% એજન્ટો માને છે કે છેલ્લા બે મહિનામાં સુરક્ષા અને સ્થિરતા મામલે યુએસની સ્થિતિ સુધરી છે, જ્યારે માત્ર 28% લોકોએ તેને 'સ્વાગત કરનાર દેશ' તરીકે રેટ કર્યો છે. આની સરખામણીએ ન્યૂઝીલેન્ડે સલામતી અને સુલભતા મામલે 88% નો જબરદસ્ત સ્કોર મેળવ્યો છે, જ્યારે જર્મની (78%) અને ઓસ્ટ્રેલિયા (77%) પણ રેસમાં અમેરિકાથી ઘણા આગળ નીકળી ગયા છે.
વિદ્યાર્થીઓમાં યુએસ પ્રત્યેનો રસ હવે "નિષ્ક્રિય" સ્તરે પહોંચી ગયો છે. માત્ર 38% એજન્ટોએ સ્વીકાર્યું કે વિદ્યાર્થીઓ યુએસ તરફ આકર્ષાઈ રહ્યા છે, જે પાંચ મુખ્ય શૈક્ષણિક દેશોમાં સૌથી ઓછો દર છે. આ સરખામણીમાં ન્યૂઝીલેન્ડ (80%), ઓસ્ટ્રેલિયા (75%), યુકે (64%) અને કેનેડા (60%) નોંધપાત્ર લીડ ધરાવે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે લગભગ 77% એજન્ટોના મતે હવે અરજદારો આ પરંપરાગત ચાર-પાંચ દેશોથી આગળ વધીને નવા વિકલ્પો શોધી રહ્યા છે.
અમેરિકાની કડક વિઝા નીતિઓ અને જટિલ પ્રક્રિયા આ ટ્રેન્ડનું મુખ્ય કારણ માનવામાં આવે છે. વિઝા સંતોષ દર મામલે યુએસને માત્ર 25.3% નો નકારાત્મક સ્કોર મળ્યો છે. F, M અને J વિઝા અરજદારો માટે સોશિયલ મીડિયા પ્રોફાઇલ ઓપન રાખવાની ફરજિયાત શરત, વિઝા ઇન્ટરવ્યુમાં મળતી છૂટછાટો નાબૂદ કરવી અને 1 ઓક્ટોબર 2025થી અમલી રૂબરૂ ઇન્ટરવ્યુની કડક જોગવાઈઓએ વિદ્યાર્થીઓનો ઉત્સાહ ઠંડો પાડી દીધો છે. આ સિવાય સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્વદેશ સ્થિત દૂતાવાસમાં જ ઇન્ટરવ્યુ આપવાની તાજેતરની ભલામણોએ પણ અનિશ્ચિતતામાં વધારો કર્યો છે.
વિઝા અસ્વીકારનો ઊંચો દર અને જટિલ કાનૂની ચોકઠું સૌથી હોંશિયાર વિદ્યાર્થીઓને પણ અન્ય દેશો તરફ વળવા મજબૂર કરી રહ્યું છે. વિઝાની સ્પષ્ટતા અને સલામતીનો અહેસાસ હવે વૈશ્વિક શિક્ષણ ક્ષેત્રે નિર્ણય લેવાના મુખ્ય પરિબળો બની ગયા છે.
(4:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
