<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

ગ્લોબલ ફાઇનાન્સમાં નવો માસ્ટરસ્ટ્રોક: સિંગાપોર ફંડ મેનેજરો માટે ટેક્સ ફ્રી કમાણી અને 5 વર્ષના ગોલ્ડન વિઝા લાવશે, હોંગકોંગને મળશે બરાબરની ટક્કર

નાણાકીય પાટનગર બનવાની રેસ: સિંગાપોર સેન્ટ્રલ બેંક (MAS) એ રોકાણકારો, ફેમિલી ઓફિસો અને હેજ ફંડ્સને આકર્ષવા માટે ઘડી મગાની માસ્ટર પ્લાન નીતિ

સિંગાપોર, તા.19: એશિયાના બે મોટા નાણાકીય કેન્દ્રો વચ્ચે ગ્લોબલ ફંડ્સ અને પ્રતિભાશાળી ઇન્વેસ્ટર્સને આકર્ષવાની હોડ જામી છે. હોંગકોંગ તરફથી મળી રહેલી સખત સ્પર્ધા વચ્ચે સિંગાપોરે પોતાના ફાઇનાન્સિયલ સેક્ટરને વધુ મજબૂત કરવા માટે એક ધમાકેદાર યોજનાની જાહેરાત કરી છે. મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોર (MAS) અને દેશના નાણા મંત્રાલયે બુધવારે જાહેરાત કરી છે કે તેઓ ફંડ મેનેજરો દ્વારા કમાયેલા ચોક્કસ નફા પર સંપૂર્ણ ટેક્સ છૂટ આપવા અને ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ્સ માટે 5 વર્ષના સ્પેશિયલ વિઝા સુવિધા વિસ્તરણ કરવા જઈ રહ્યા છે.

સિંગાપોરના નાણાકીય તંત્રના આ મોટા નિર્ણય પાછળ હોંગકોંગ દ્વારા તાજેતરમાં ફંડ મેનેજરોના પર્ફોર્મન્સ બોનસ પર કર મુક્તિ આપતું લાવવામાં આવેલું નવું બિલ છે. સિંગાપોરમાં એસેટ મેનેજમેન્ટ ઉદ્યોગનો વ્યાપ S$7 ટ્રિલિયન (સિંગાપોર ડોલર) સુધી પહોંચી ગયો છે અને છેલ્લા પાંચ વર્ષમાં તે વાર્ષિક 7.5% ના દરે વધ્યો છે. પરંતુ હોંગકોંગ તરફથી વધતા દબાણને કારણે 'અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ એસોસિએશન' એ ચેતવણી આપી હતી કે જો સિંગાપોર ઝડપી પગલાં નહીં ભરે તો મોટી મૂડી હોંગકોંગ તરફ શિફ્ટ થઈ શકે છે. તેના જવાબરૂપે જ સિંગાપોર સરકારે બજેટ પહેલાં જ આ નીતિગત સંકેતો આપી દીધા છે.

નવી નીતિ હેઠળ સિંગલ ફેમિલી ઓફિસો અને પસંદગીના ફંડ મેનેજમેન્ટ નફા પર કર રાહતો આપવામાં આવશે. આ ઉપરાંત, રોકાણ ક્ષેત્રના અગ્રણી નિષ્ણાતો માટે ‘ઓવરસીઝ નેટવર્ક્સ એન્ડ એક્સપર્ટાઇઝ પાસ’ નો વ્યાપ વધારવામાં આવશે. આ 5 વર્ષ માન્યતા ધરાવતો વિઝા વ્યાવસાયિકોને એકસાથે બહુવિધ કંપનીઓ માટે કામ કરવાની અને વારંવાર વિઝા રિન્યૂ કરવાની ઝંઝટમાંથી મુક્તિ આપશે. સાથોસાથ હેજ ફંડ્સને દેશમાં સ્થાપિત કરવા માટે MAS એક ખાસ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ પણ રોલઆઉટ કરવા જઈ રહ્યું છે, જે વૈશ્વિક રોકાણકારો માટે રેડ કાર્પેટ સમાન સાબિત થશે.

MAS ના ડેપ્યુટી ચેરમેન અને રાષ્ટ્રીય વિકાસ પ્રધાન ચી હોંગ ટાટે જણાવ્યું હતું કે, રોકાણકારો પોતાના બિઝનેસનું લોકેશન નક્કી કરે તે પહેલાં સરકારની સ્પષ્ટ નીતિ તેમની સામે મૂકવી જરૂરી હતી. સિંગાપોરના આ નિર્ણયથી ખાસ કરીને ભારતીય અને એશિયાઈ મૂળના મોટા એસેટ મેનેજરો તથા ગ્લોબલ હેજ ફંડ્સ માટે સિંગાપોર ફરી એકવાર સૌથી આકર્ષક અને કર-મુક્ત ડેસ્ટિનેશન બનીને ઉભરશે.

(4:56 PM IST)