હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
SBI ના કરોડો ગ્રાહકો માટે મોટા સમાચાર: 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યા છે બચત ખાતાના નિયમો, ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર પણ લાગશે ચાર્જ!
BSBD એકાઉન્ટ ધારકો માટે ફ્રી ટ્રાન્ઝેક્શનની લિમિટમાં ફેરફાર: ચાર મફત ઉપાડની મર્યાદામાં હવે ડિજિટલ પેમેન્ટ્સ પણ ગણાશે, મર્યાદા પૂરી થયા બાદ પ્રતિ ટ્રાન્ઝેક્શન ₹15 + GST ચૂકવવો પડશે

નવી દિલ્હી, તા.19: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં બચત ખાતું ધરાવતા કરોડો ગ્રાહકો માટે અત્યંત મહત્વના સમાચાર આવ્યા છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકે તેના બેસિક સેવિંગ્સ ડિપોઝિટ એકાઉન્ટ (BSBD) ના ગ્રાહકો માટે નિયમો અને સર્વિસ ચાર્જમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. નવા સુધારેલા નિયમો 1 ઓક્ટોબર, 2026 થી દેશભરમાં અમલી બનશે. આ ફેરફારો મુખ્યત્વે બેંકની શાખાઓ, ATM અને ડિજિટલ માધ્યમો દ્વારા કરવામાં આવતા રોકડ તથા અન્ય ઉપાડની મર્યાદા સાથે સંબંધિત છે.
નવા નિયમો મુજબ, SBI ના BSBD ખાતાધારકોને દર મહિને મળતા ચાર ફ્રી (મફત) વિથડ્રોઅલની ગણતરીમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. અગાઉ ઓનલાઈન અથવા ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સને આ ફ્રી વિથડ્રોઅલ લિમિટમાંથી મુક્તિ આપવામાં આવી હતી, પરંતુ 1 ઓક્ટોબરથી હવે ડિજિટલ વ્યવહારોને પણ આ ચાર મફત ઉપાડની મર્યાદામાં જ ગણવામાં આવશે. આ ચાર મફત વ્યવહારો પૂરા થઈ ગયા પછી, ગ્રાહકે કરેલા દરેક વધારાના ડિજિટલ કે બ્રાન્ચ ટ્રાન્ઝેક્શન પર પ્રતિ વ્યવહાર ₹15 વત્તા GST નો ચાર્જ ચૂકવવો પડશે.
બેસિક સેવિંગ્સ ડિપોઝિટ એકાઉન્ટ (BSBD) ખાસ કરીને સમાજના આર્થિક રીતે નબળા અને ઓછી આવક ધરાવતા વર્ગો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં ઝીરો બેલેન્સની સુવિધા અને મફત રૂપે (RuPay) ડેબિટ કાર્ડ આપવામાં આવે છે. આ ખાતામાંથી પોતાની કે અન્ય બેંકના ATM માંથી રોકડ ઉપાડ, બેંક શાખા દ્વારા ઉપાડ અને આધાર ઈનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ (AePS) દ્વારા કરવામાં આવતા ઉપાડને ચાર મફત મર્યાદામાં સમાવવામાં આવે છે.
SBI ના નિયમો અનુસાર, BSBD ખાતું ખોલાવવા માટે શરત એ છે કે ગ્રાહક પાસે સ્ટેટ બેંકમાં અન્ય કોઈ સક્રિય બચત ખાતું હોવું જોઈએ નહીં. જો ગ્રાહક પાસે પહેલાથી અન્ય સેવિંગ્સ એકાઉન્ટ હોય, તો તેણે આ નવું ખાતું ખોલ્યાના 30 દિવસની અંદર જૂનું ખાતું બંધ કરવાનું રહેશે. 1 ઓક્ટોબરથી લાગુ થઈ રહેલા આ નવા ડિજિટલ ટ્રાન્ઝેક્શન ચાર્જના નિયમને કારણે હવે નાના ખાતાધારકોએ પણ પોતાના માસિક વ્યવહારોનું આયોજન ખૂબ જ સાવચેતીપૂર્વક કરવું પડશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
