News of Wednesday, 19th August 2026
પાકિસ્તાનમાં સરકાર અને ન્યાયતંત્ર સામસામે: ઇમરાન ખાનને હોસ્પિટલ ટ્રાન્સફર કરવાના સુપ્રીમ કોર્ટના આદેશને પડકારશે શહબાઝ સરકાર
૭૩ વર્ષીય ઇમરાન ખાનને અદિયાલા જેલમાંથી ઇસ્લામાબાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવાના કોર્ટના આદેશથી રાજકીય ઘમાસાણ: જેલ નિયમોનું ઉલ્લંઘન ગણાવી સરકાર સમીક્ષા અરજી દાખલ કરશે

ઇસ્લામાબાદ, તા.19: પાકિસ્તાનના રાજકારણમાં સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે ફરી એકવાર મોટો કાનૂની અને રાજકીય મુકાબલો શરૂ થયો છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાન (PTI) ના સ્થાપક ઇમરાન ખાનને રાવલપિંડીની અદિયાલા જેલમાંથી ઇસ્લામાબાદની ખાનગી શિફા ઇન્ટરનેશનલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે, શહબાઝ શરીફ સરકારે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને કોર્ટમાં જ પડકારવાનો નિર્ણય લીધો છે.
અગાઉ ૧૮ ઓગસ્ટના રોજ ન્યાયમૂર્તિ શાહિદ વાહીદની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની બેન્ચે ૭૩ વર્ષીય ઇમરાન ખાનના બગડતા સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ૪૮ કલાકની અંદર તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવા આદેશ કર્યો હતો. કોર્ટે ફિઝિશિયન, જનરલ સર્જન, નેત્ર રોગ નિષ્ણાત અને કાર્ડિયોલોજિસ્ટ સહિતના તબીબોનું બોર્ડ રચવા અને ખાનના અંગત તબીબ ડૉ. ફૈઝલ સુલતાન તથા તેમની બહેન ડૉ. ઉઝમા ખાનને સારવાર દરમિયાન સાથે રહેવા મંજૂરી આપી હતી. કોર્ટે આદેશ આપ્યો હતો કે આગામી સુનાવણી ૧૬ સપ્ટેમ્બર સુધી ખાન હોસ્પિટલમાં જ રહેશે.
જોકે, પાકિસ્તાનના કાયદા મંત્રી આઝમ નઝીર તરારે સ્પષ્ટ કર્યું છે કે સરકાર આ નિર્ણયની સમીક્ષા માંગશે. તેમણે દલીલ કરી હતી કે જેલના નિયમો મુજબ કોઈપણ દોષિત કેદીને ખાનગી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી શકાતો નથી, પરંતુ તેમની સારવાર સરકારી હોસ્પિટલોમાં જ થવી જોઈએ. જો દોષિત કેદીઓને ખાનગી હોસ્પિટલોમાં જવાની છૂટ આપવામાં આવે તો તે ખોટો માપદંડ સ્થાપિત કરશે.
ઓગસ્ટ ૨૦૨૩ થી જેલમાં બંધ ઇમરાન ખાનની જમણી આંખમાં રેટિના સંબંધિત ગંભીર સમસ્યા (સેન્ટ્રલ રેટિના વેઇન ઓક્લુઝન) હોવાનું સામે આવ્યું છે, જેનાથી તેમની દ્રષ્ટિ પર જોખમ તોળાઈ રહ્યું છે. આ ઉપરાંત બ્લડ પ્રેશરમાં વધઘટને લઈને પણ પીટીઆઈ સમર્થકો ચિંતિત છે. હવે સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશ સામે સમીક્ષા અરજી દાખલ કરવાની જાહેરાત બાદ ઇમરાન ખાનની સારવાર અને જેલ ટ્રાન્સફરનો મુદ્દો પાકિસ્તાનમાં ભારે વિવાદનું કેન્દ્ર બન્યો છે.
(5:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
