<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

પ્રિન્સેસ ડાયનાના ભાઈ નવા પુસ્તકમાં ખોલશે રહસ્યો: 'સ્વાન સોંગ: ડાયના, માય સિસ્ટર' માં મૃત્યુ પહેલાના છેલ્લા અઠવાડિયા અને જીવનનું સત્ય આવશે સામે

પ્રિન્સેસ ડાયનાના અવસાનના ૩૦ વર્ષ બાદ નવમા અર્લ ચાર્લ્સ સ્પેન્સર લખશે પોતાની બહેનની કહાની: ખોટા તથ્યો અને અફવાઓનો અંત લાવી 'સત્ય' જાહેર કરવાનો દાવો

લંડન, તા.19: વિશ્વભરમાં ભારે લોકપ્રિયતા ધરાવતા બ્રિટનના રાજવી પરિવાના ભૂતપૂર્વ પ્રિન્સેસ ડાયનાના કરુણ અને શંકાસ્પદ મૃત્યુના લગભગ ત્રણ દાયકા બાદ તેમના જીવન સાથે જોડાયેલા કેટલાક અનકહેલા સત્યો ફરી એકવાર દુનિયા સામે આવવા જઈ રહ્યા છે. આ વખતે આ વાર્તા કોઈ પત્રકાર કે બાહ્ય લેખક નહીં, પરંતુ ડાયનાને નાનપણથી નજીકથી જાણનારા તેમના પોતાના સગા ભાઈ ચાર્લ્સ સ્પેન્સર રજૂ કરવા જઈ રહ્યા છે. તેઓ પોતાના નવા પુસ્તક 'સ્વાન સોંગ: ડાયના, માય સિસ્ટર' (Swan Song: Diana, My Sister) માં ડાયનાના જીવન અને તેમના મૃત્યુ પહેલાના છેલ્લા અઠવાડિયાનો અંગત અહેવાલ જાહેર કરશે.

પેંગ્વિન રેન્ડમ હાઉસ દ્વારા પ્રકાશિત થનારું આ પુસ્તક ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ યુનાઇટેડ કિંગડમમાં રિલીઝ થશે, જે ૩૧ ઓગસ્ટ, ૧૯૯૭ ના રોજ પેરિસમાં થયેલા હાઇ-સ્પીડ કાર અકસ્માતમાં ડાયનાના થયેલા અવસાનની ૩૦મી વર્ષગાંઠ સાથે એકરૂપ થશે. માત્ર ૩૬ વર્ષની ઉંમરે ગંભીર આંતરિક ઇજાઓને કારણે ડાયનાનું અવસાન થયું હતું. ત્યારથી લઈને આજ સુધી તેમના જીવન અને મૃત્યુ અંગે અસંખ્ય પુસ્તકો અને કાવતરાના સિદ્ધાંતો સામે આવ્યા છે.

ચાર્લ્સ સ્પેન્સરે (નવમા અર્લ સ્પેન્સર) જણાવ્યું હતું કે, ડાયનાની ૩૦મી વર્ષગાંઠ નજીક આવતા જ તેમને ઇન્ટરવ્યુ માટે સતત વિનંતીઓ મળી રહી હતી. પરંતુ અન્યો દ્વારા ફેલાવવામાં આવતી અફવાઓ કે અસત્ય માહિતીનો સામનો કરવાને બદલે તેમણે પોતે જ પોતાની યાદો અને વિચારોને લેખિત સ્વરૂપ આપવાનું યોગ્ય માન્યું. સ્પેન્સરે ઉમેર્યું કે, "આ પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ્ય ડાયના વિશે તેના ભાઈના દ્રષ્ટિકોણથી સંપૂર્ણ સત્ય રજૂ કરવાનો છે, જે મેં તેના અંતિમ સંસ્કાર વખતે પણ કરવાનો પ્રયાસ કર્યો હતો."

આ પુસ્તકમાં માત્ર ડાયનાના અંતિમ દિવસો કે અકસ્માત સંબંધિત ઘટનાઓ જ નહીં, પરંતુ તેમની વાસ્તવિક શખ્સિયતનો પરિચય કરાવવામાં આવશે. સ્પેન્સરને આશા છે કે આ પુસ્તક થકી નવી પેઢી એ વાત સમજી શકશે કે રાજવી છબી પાછળ ડાયના પ્રેમ, કરિશ્મા અને આત્મ-શંકાથી ભરેલું એક ગતિશીલ વ્યક્તિત્વ ધરાવતી સ્ત્રી હતી, જેમણે ટૂંકા જીવનમાં પણ દુનિયાને એક બહેતર જગ્યા બનાવવા માટે મોટું યોગદાન આપ્યું હતું.

(5:14 PM IST)