<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે PM મોદીનો મોટો સંદેશ: બાંગ્લાદેશના PM તારિક રહેમાનની ભારત મુલાકાતને 'યાદગાર' બનાવવાની તૈયારી

શેખ હસીનાના પ્રત્યાર્પણ મુદ્દે સર્જાયેલી અનિશ્ચિતતા વચ્ચે ભારતીય રાજદૂતે આપ્યો સકારાત્મક સંકેત: "મતભેદો ભૂલીને પરસ્પર વિશ્વાસ સાથે આગળ વધવું બંને દેશો માટે જરૂરી"

ઢાકા, તા.૧૯: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શેખ હસીનાના પ્રત્યાર્પણ મુદ્દે હાલ રાજદ્વારી તણાવ ચાલી રહ્યો છે, ત્યારે ભારતીય હાઇકમિશન તરફથી બંને દેશોના સંબંધોમાં સુધારો લાવવા માટે એક અત્યંત સકારાત્મક નિવેદન સામે આવ્યું છે. ઢાકામાં ભારતીય રાજદૂત દિનેશ ત્રિવેદીએ જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બાંગ્લાદેશી સમકક્ષ તારિક રહેમાનની આગામી ભારત મુલાકાતને "યાદગાર" અને સન્માનજનક બનાવવા માટે ઉત્સુક છે. ૧૨-૧૩ સપ્ટેમ્બરે યોજાનારી બ્રિક્સ (BRICS) સમિટ માટે તારિક રહેમાન નવી દિલ્હીની મુલાકાતે આવે તેવી શક્યતા છે.

 

ઢાકા ખાતે ભારતીય હાઇકમિશન દ્વારા બાંગ્લાદેશી ઉદ્યોગપતિઓ અને 'કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી' (CII) ના પ્રતિનિધિમંડળ માટે આયોજિત વિશેષ સમારંભમાં બોલતા રાજદૂત ત્રિવેદીએ પીએમ મોદીનો સંદેશો પહોંચાડ્યો હતો. તેમણે કહ્યું કે, "વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ વ્યક્ત કર્યું છે કે આપણે મળવાની જરૂર છે. તેમણે ખાતરી આપી છે કે જ્યારે બાંગ્લાદેશના વડાપ્રધાન ભારત આવશે, ત્યારે તેમનું એવું સન્માનજનક સ્વાગત કરવામાં આવશે જેના તેઓ હક્કદાર છે. બંને દેશોના વડાઓ વચ્ચેનો ગાઢ સંબંધ અંતે બંને દેશોના નાગરિકો અને વેપારીઓને લાભ પહોંચાડશે."

 

રાજદૂત ત્રિવેદીએ બંને દેશો વચ્ચેના ભૂતકાળના મતભેદોને ભૂલીને આગળ વધવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, "જિવંત લોકશાહીમાં મતભેદો હોવા સ્વાભાવિક છે, પરંતુ આ એક સમાનતાની ભાગીદારી છે. આપણે માત્ર સીમાઓ જ નહીં પણ ઇતિહાસ, સંસ્કૃતિ અને સપનાઓ પણ શેર કરીએ છીએ." તેમણે ઉમેર્યું કે ભારત "નવા બાંગ્લાદેશ" અને ત્યાંના યુવાનો સાથે મળીને કામ કરવા માંગે છે જેથી પ્રદેશમાં શાંતિ, સમૃદ્ધિ અને નવી આર્થિક તકો ઊભી થઈ શકે.

 

ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ ૨૦૨૪ માં વિદ્યાર્થી આંદોલન બાદ પદભ્રષ્ટ થયેલા ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીના ભારત આવી ગયા હતા. તાજેતરમાં બાંગ્લાદેશની ખાસ ટ્રિબ્યુનલે તેમને સજા ફટકાર્યા બાદ ઢાકા દ્વારા તેમના પ્રત્યાર્પણની સતત માંગ કરવામાં આવી રહી છે. બીજી તરફ ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ વિનંતી અંગે પ્રવર્તમાન કાનૂની પ્રક્રિયાઓ અને નિયમો અનુસાર સમીક્ષા કરવામાં આવી રહી છે. આ તમામ ખેંચતાણ વચ્ચે અંબાસ્ડર ત્રિવેદીનું આ નિવેદન આર્થિક અને રાજદ્વારી સંબંધોને પટાડી પર લાવવાના સંકેત આપે છે.

(5:21 PM IST)