News of Wednesday, 19th August 2026
“જમ્મુ-કાશ્મીર ભારતનો અતૂટ અને મહત્વપૂર્ણ ભાગ”: શ્રીનગરમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથેની બેઠક બાદ યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરનું મોટું નિવેદન
કલમ ૩૭૦ નાટકીય રીતે રદ થયા બાદ ૧૫ વર્ષમાં પ્રથમ વાર કોઈ અમેરિકી રાજદૂતે કરી કાશ્મીરની મુલાકાત: આર્થિક ભાગીદારી અને દ્વિપક્ષીય તકો અંગે થઈ ફળદાયી ચર્ચા

શ્રીનગર, તા.૧૯: ભારતમાં યુનાઇટેડ સ્ટેટ્સ (US) ના રાજદૂત સર્જિયો ગોરે બુધવારે જમ્મુ-કાશ્મીરને "ભારતનો અતૂટ અને અત્યંત મહત્વપૂર્ણ ભાગ" ગણાવીને એક ઐતિહાસિક નિવેદન આપ્યું છે. ઓગસ્ટ ૨૦૧૯ માં કલમ ૩૭૦ નાબૂદ કરવામાં આવ્યા બાદ અને કેન્દ્રશાસિત પ્રદેશની પુનઃરચના થયા પછી આ વિસ્તારની મુલાકાત લેનારા સર્જિયો ગોર પ્રથમ યુએસ એમ્બેસેડર બન્યા છે.
શ્રીનગર ખાતે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે ઉચ્ચ સ્તરીય મુલાકાત બાદ પત્રકારો સાથે વાતચીત કરતી વખતે યુએસ એમ્બેસેડરે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "હું ભારતમાં યુએસ એમ્બેસેડર છું અને આ પ્રદેશ ભારતનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેથી જ હું અહીં પહેલી વાર મુલાકાતે આવ્યો છું. આ અતિશય સુંદર સ્થળ છે અને હું અહીં આવીને ખૂબ જ રોમાંચિત અનુભવું છું." બેઠક દરમિયાન બંને નેતાઓ વચ્ચે આર્થિક સહયોગ વધારવા અને દ્વિપક્ષીય વેપાર તકો ઊભી કરવા અંગે ગહન ચર્ચા થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૧૫ વર્ષથી વધુ સમયગાળામાં કોઈ સક્રિય અમેરિકી રાજદૂત અને જમ્મુ-કાશ્મીરના વર્તમાન મુખ્યમંત્રી વચ્ચે યોજાયેલી આ પહેલી સત્તાવાર બેઠક છે. આ પહેલાં વર્ષ ૨૦૧૧ માં તત્કાલીન યુએસ એમ્બેસેડર ટિમોથી રોમરે ઓમર અબ્દુલ્લા સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ એમ્બેસેડર ગોરે સોશિયલ મીડિયા હેન્ડલ 'X' પર પણ લખ્યું હતું કે, "મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે મુલાકાત કરીને તેમની આર્થિક પ્રાથમિકતાઓ વિશે જાણવાનો અવસર મળ્યો તે બદલ આભાર. અમે બંને દેશો માટે આર્થિક અને વેપાર ક્ષેત્રે નવી તકો શોધવા પર સંમતિ દર્શાવી છે."
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દક્ષિણ અને મધ્ય એશિયા માટેના ખાસ દૂત તરીકે પણ સેવા આપતા સર્જિયો ગોર પોતાની આ મુલાકાત દરમિયાન લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા સાથે પણ મુલાકાત કરશે અને ગુરુવારે લદ્દાખ પ્રવાસે રવાના થશે.
(5:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
