<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

મોદી કેબિનેટના મોટા નિર્ણયો: બિહાર અને અન્ય રાજ્યો માટે ₹૧૩,૦૪૧ કરોડના પ્રોજેક્ટ્સને લીલી ઝંડી, NH-22 ફોર-લેન અપગ્રેડથી નેપાળ સરહદ સુધીનું જોડાણ થશે મજબૂત

બિહારમાં ₹૩,૫૯૧ કરોડના ખર્ચે ૮૨.૫ કિમી લાંબો ફોર-લેન હાઇવે બનશે: ઓડિશા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ માટે ₹૯,૪૫૦ કરોડના ૪ મહત્વપૂર્ણ રેલ પ્રોજેક્ટ્સ મંજૂર

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA) ની બેઠકમાં દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ઊંચાઈએ પહોંચાડવા માટે કેટલાક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે બિહાર સહિત દેશના વિવિધ ભાગો માટે કુલ ₹૧૩,૦૪૧ કરોડના પાંચ મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. જેમાં બિહારને સૌથી મોટી ભેટ આપતા NH-22 ના ફોર-લેન અપગ્રેડેશન માટે ₹૩,૫૯૧ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે, જે અન્ય ૪ રેલ પ્રોજેક્ટ્સના કુલ ખર્ચ કરતાં પણ વધુ છે.

 

બિહારમાં હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM) હેઠળ વિકસાવવામાં આવનાર આ ૮૨.૫૭૮ કિલોમીટર લાંબો ફોર-લેન હાઇવે મુઝફ્ફરપુર, સીતામઢી અને સોનબરસા સેક્શનને આવરી લેશે. આ પ્રોજેક્ટ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે તે સોનબરસા ખાતે આવેલા ભારત-નેપાળ સરહદી વિસ્તારને મુઝફ્ફરપુર જેવા આર્થિક કેન્દ્રો અને NH-27 (ઈસ્ટ-વેસ્ટ કોરિડોર) સાથે સીધો જોડશે. આ હાઇવેને ૧૦૦ કિમી પ્રતિ કલાકની મહત્તમ ઝડપ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેમાં વાહનોની ઝડપી અવરજવર માટે કોઈ એટ-ગ્રેડ કટ્સ રાખવામાં આવશે નહીં.

 

વેપાર, પ્રવાસન અને રેલવે કનેક્ટિવિટીને મળશે બુસ્ટર ડોઝ

આ પ્રોજેક્ટથી મુઝફ્ફરપુર, રુન્ની સૈયદપુર, ડુમરા અને સોનબરસા જેવા ગીચ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. સાથોસાથ, સીતામઢી સ્થિત ઐતિહાસિક જાનકી પુનૌરા ધામ મંદિર અને બૌદ્ધ સર્કિટ જેવા ધાર્મિક તથા સાંસ્કૃતિક સ્થળો સુધી પહોંચવું સરળ બનશે. પ્રોજેક્ટમાં બાગમતી નદી પર ૩૪૦ મીટર લાંબા મુખ્ય પુલ સહિત ૭ મોટા પુલ, ૩ રેલવે ઓવર બ્રિજ (ROB) અને ૨ ફ્લાયઓવરનું નિર્માણ કરવામાં આવશે.

 

આ ઉપરાંત, કેબિનેટે રેલવે મંત્રાલયના ₹૯,૪૫૦ કરોડના ચાર મુખ્ય પ્રોજેક્ટ્સને પણ લીલી ઝંડી આપી છે. જેમાં ઓડિશા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ વચ્ચે ખડગપુર-ભદ્રક (૧૭૩ કિમી), ભદ્રક-હરિદાસપુર (૭૫ કિમી), ગુમ્મીડીપુંડી-ગુદુર (૯૦ કિમી) અને કટક-પારાદીપ (૭૨ કિમી) રેલવે લાઈનોના ત્રીજા અને ચોથા ટ્રેકનું નિર્માણ કરવામાં આવશે, જેનાથી દેશના માલવાહક અને મુસાફર રેલ નેટવર્કને અભૂતપૂર્વ મજબૂતી મળશે.

(6:19 PM IST)